Published by : Rana Kajal
ચોમાસાની ઋતુ શરુ થવાના આડે હજી ઘણા મહિનાઓ બાકી છે, તેમ છતાં અત્યાર થીજ આ વર્ષે ચોમાસુ ખેતી માટે સાનુકૂળ નહીં રહે તેવી આગાહી કરવામાં આવી રહી છે…
અમેરિકન એજન્સી નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના પૂર્વાનુમાન અને રીપોર્ટ જોતા ભારતમા સતત ત્રણ વર્ષ સાનુકૂળ ચોમાસા બાદ હવે ‘લા-નીના’ વિદાય લઇ રહ્યું છે. આગામી ત્રણ મહિના મધ્ય ફેબ્રુઆરીથી મધ્ય એપ્રિલ વચ્ચે એનસો-ન્યૂટ્રલ સ્થિતિ રહેવાની સંભાવના છે. અમેરિકા સ્થિત એજન્સી નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના તાજેતરના પૂર્વાનુમાન અનુસાર મેથી જુલાઇની વચ્ચે ‘અલ-નીનો’ની અસર દેખાઇ શકે છે. આ એ સમય છે, જ્યારે ચોમાસુ શરૂ થાય છે. જૂનથી સપ્ટેમ્બરનો ગાળો ચોમાસુ ગણાય છે.
ખાનગી એજન્સીઓના નિષ્ણાતોના મતે, ભારતમાં ચોમાસાને લઇને તે નકારાત્મક સમાચાર હોઇ શકે છે કારણ કે અલ-નીનોના વર્ષમાં દુકાળ પડવાની આશંકા 60 ટકા હોય છે, જ્યારે સામાન્યથી ઓછા વરસાદની સંભાવના 30 ટકા અને સામાન્ય વરસાદની સંભાવના માત્ર 10 ટકા હોય છે. અલ નીનો એ સ્થિતિ છે જ્યારે પેસિફિક સમુદ્રમાં સમુદ્રી સપાટી ગરમ થઇ જાય છે. છેલ્લા 26 વર્ષમાં પાંચ વાર અલ નીનોની ઇફેક્ટ દેખાઇ છે. તેમાં ચાર વાર દુષ્કાળ પડ્યો હતો.
જ્યારે સ્કાયમેટ વેધર એજન્સીના અધ્યક્ષ જી.પી. શર્માએ કહ્યું કે હવે અલ નીનો ઇફેક્ટનું આગામી 9 મહિના માટેનું પૂર્વાનુમાન ઉપલબ્ધ છે. પરંતુ પૂર્વાનુમાનના ચાર મહિનાથી વધુની ચોક્સાઇ ઓછી હોય છે. 2004, 2009, 2014 અને 2018નું પૂર્વાનુમાન પણ 2023ની માફક જ હતું. તે દરેક વર્ષોમાં દેશને દુષ્કાળનો સામનો કરવો પડ્યો હતો. આંકડા અનુસાર 1950થી અત્યાર સુધી ટ્રિપલ લા નીના ઇફેક્ટ માત્ર બે વાર જ જોવા મળી છે. તે વર્ષ 1973-1976 અને 1998-2001 વચ્ચે જ થયું હતું. સૌથી લાંબી અવધિનું લા-નીના 37 મહિનાનું હતું અને તે વર્ષ 1937-1976 સુધી હતું.