Published by : Rana Kajal
સાબરમતી જેલમાં અતીક એહમદે પ્રયાગરાજ જતા અગાઉ વિતાવેલ રાત તેને માટે અત્યંત બિહામણી સાબિત થઈ હતી. આ રીઢો ગુનેગાર આખી રાત સૂઈ શક્યો ન હતો. અહેમદને ગુજરાતની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવી રહ્યો છે. પ્રયાગરાજમાં તા 28 માર્ચે અતીક અહેમદને અપહરણના કેસમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે.અતીક અહેમદને રોડ માર્ગે લાવવામાં આવી રહ્યો છે. તેના કાફલાનું લાઇવ ટ્રેકિંગ ટાળવા માટે, અતીકની સાથે આવેલા 40 કોન્સ્ટેબલના ફોન બંધ કરી દેવામાં આવ્યા છે. ચાર વર્ષ બાદ જેલમાંથી બહાર આવેલા અતીક અહેમદને પણ પોતાના એન્કાઉન્ટરનો ડર છે. જ્યારે યુપી પોલીસ અતીકને જેલમાં લેવા પહોંચી હતી ત્યારે તેણે રોડ પર જવાની ના પાડી દીધી હતી. બાદમાં તેને જેલમાંથી બહાર કાઢી પોલીસની કારમાં બેસાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ રવિવારે સાંજે તેની સાથે ગુજરાતથી નીકળી હતી.
અતીક અહેમદને લઈ જતો પોલીસ કાફલો રાજસ્થાનના મૌડિયાર ટોલ પ્લાઝાને પાર કરીને સોમવારે સવારે (27 માર્ચ) મધ્યપ્રદેશના શિવપુરી પહોંચ્યો હતો. NH 27 પર મુંદિયાર રાજસ્થાનનો છેલ્લો ટોલ પ્લાઝા છે. શિવપુરીથી કાફલો યુપી બોર્ડર માટે રવાના થયો હતો. અત્યાર સુધી કાફલાએ લગભગ 700 કિલોમીટરની સફર કવર કરી છે.શિવપુરી પહોંચ્યા બાદ પોલીસની ટીમ 100 કિમીનો પ્રવાસ કરીને ઉત્તર પ્રદેશના ઝાંસી પહોંચશે. ઝાંસીથી કાફલો અતિક સાથે પ્રયાગરાજ જશે. ઝાંસીથી પ્રયાગરાજનું અંતર 420 કિમી છે.
ઉમેશ પાલ હત્યા કેસના મુખ્ય આરોપી અતીક અહેમદને 28 માર્ચે પ્રયાગરાજની એમપી/એમએલએ કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. અપહરણના જૂના કેસમાં 17 માર્ચે કોર્ટમાં સુનાવણી પૂર્ણ થયા બાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. 23 માર્ચે કોર્ટે અતીક અહેમદને હાજર થવાનો આદેશ આપ્યો હતો.કોર્ટના આદેશ બાદ રવિવારે (26 માર્ચ) યુપી પોલીસની ટીમ ગુજરાતની સાબરમતી જેલમાં પહોંચી હતી. અતીક 2019થી અહીં બંધ છે. અહીં ભારે બળ વચ્ચે અતિક અહેમદને પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યો અને કાફલો પ્રયાગરાજ જવા રવાના થયો.
અતીક અહેમદ સાથે પોલીસના 6 વાહનો દોડી રહ્યા છે. પ્રયાગરાજ લાવવામાં આવતા અતીક અહેમદ લગભગ 1270 કિમી સડક માર્ગે જશે. અગાઉ પોલીસે રૂટ વિશે કોઈ માહિતી આપી ન હતી. કાફલો શરૂ થયા પછી જ ખબર પડી કે તેઓ હિંમતનગર-શામળાજી થઈને પ્રયાગરાજ પહોંચશે. ગુજરાતમાંથી અતીકને લાવતો કાફલો રાજસ્થાનમાં પ્રવેશ્યો હતો. અમદાવાદ પોલીસ તેને ગુજરાત બોર્ડર સુધી મૂકવા આવી હતી. સાબરમતી જેલથી રાજસ્થાન બોર્ડરનું અંતર 150 કિમી છે અને ટીમ સાડા ત્રણ કલાકમાં અતીક સાથે અહીં પહોંચી હતી. અતીકને લઈને આવતા વાહનો શામળાજીમાં ત્રણ મિનિટ રોકાયા હતા જેલમાંથી બહાર નીકળ્યા બાદ થોડુ અંતર કાપ્યા બાદ કાફલાની પાછળ મીડિયાના વાહનો જોઈ પોલીસે રૂટ બદલી નાખ્યો હતો. સાથે જ મીડિયાના કેટલાક વાહનોને પણ અટકાવવામાં આવ્યા હતા. યુપીના ડીજીપી ડીએસ ચૌહાણે પોલીસને સતર્ક રહેવા સૂચના આપી છે. ડીજીપીએ માર્ગ પર આવતા જિલ્લાના પોલીસ અધિકારીઓને સૂચના આપી છે કે અતીકને લઈને આવતા કાફલાના માર્ગમાં કોઈ જામ ન થાય.પ્રયાગરાજ પહોંચ્યા બાદ અતીક અહેમદને કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવશે. અતીક અહેમદને જેલની ઉચ્ચ સુરક્ષા બેરેકમાં આઈસોલેશનમાં રાખવામાં આવશે. જેલમાં સીસીટીવી દ્વારા અતીક પર નજર રાખવામાં આવશે. અતીક અહેમદ માટે જેલમાં વિશેષ સ્ટાફ તૈનાત કરવામાં આવશે. તેઓ બોડી વર્ન કેમેરાથી સજ્જ હશે. પ્રયાગરાજ જેલ ઓફિસ અને જેલ હેડક્વાર્ટરથી અતીક પર ચોવીસ કલાક નજર રાખવામાં આવશે.