Published by : Anu Shukla
- 11 હજાર 450 ફૂટની ઊંચાઈ….
- બરફની નદી પર વંદે માતરમ ગુંજી ઊઠ્યું….
- કઠીન સમસ્યાઓ સહન કરી પરંતુ તિરંગો લહેરાવ્યા બાદ સમસ્યાઓનું દર્દ વીસરાયું….
ભારત દેશના લોકોમાં અનોખી દેશભક્તિ છે. આ દેશભક્તિ દર્શાવતી ધટનાની વિગતો જોતા નાથદ્વારાના પર્વતારોહક પ્રિંકેશ જૈન અને તેમની ટીમે 11 હજાર 450 ફૂટની ઊંચાઈ પર 120 મીટર લાંબો તિરંગો લહેરાવ્યો. લદ્દાખના નેરક વોટર ફોલ પર માઇનસ 30 ડીગ્રી તાપમાનમાં તિરંગો લહેરાવાનો આ રેકોર્ડ છે. આ પહેલાં અહીં આટલો લાંબો તિરંગો લહેરાવવામાં આવ્યો નથી.
પ્રિંકેશ અને તેની ટીમે અગાઉ 28 ઓગસ્ટ 2022ના રોજ 100 મીટર ઉંચો ધ્વજ કનામો કિબ્બર પર્વત પર પણ ફરકાવ્યો હતો. 9 સભ્યોની ટીમ લદાખના નેરક વોટરફોલ પહોંચી હતી. જેમાં રાજસમંદના 4 સભ્યોમાં પ્રિંકેશ જૈન (30), શિવમ ચૌધરી (27), શ્રીનાથ ચૌધરી, અશોક ધાકડ (40)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉદયપુરથી તનવીર જોશી, નાગેન્દ્ર સિંહ રાણાવત, મહારાષ્ટ્રથી રાજેશ હેગડે અને ચેતન પટેલ જ્યારે થાઈલેન્ડથી શેરી લૈટી પણ હતા.

લદ્દાખની 11 હજાર 450 ફૂટની ઊંચાઈ પર પહોચવામાં યુવાનોને ત્રણ દિવસ લાગ્યા હતા. આ દરમિયાન માઇનસ 30 ડિગ્રી તાપમાનનો સામનો પણ કર્યો હતો. પર્વતારોહક પ્રિંકેશ જૈનના જણાવ્યા અનુસાર તેઓ નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવાના લક્ષ્ય સાથે સૌથી મુશ્કેલ ટ્રેક પર નીકળ્યા હતા, જે તેમણે પોતાના સાથીઓ અને ટીમની મદદથી 120 મીટર લાંબો ધ્વજ લહેરાવીને પૂર્ણ કર્યો હતો.
થીજી ને બરફ થઈ ગયેલ નદી પર ચાલવુ ખૂબ મુશ્કેલ હોય છે તેનું કારણ એ છે કે આ બરફ ખૂબજ હાર્ડ હોય છે. બરફનો બ્લોક ક્યારે તૂટી જશે અને તેની પર ચાલનાર પાણીમાં પડી જાય તે કહેવાય નહી પરંતુ લદ્દાખના બે ગાઈડ જેમનું નામ નજાન ડોરજે અને તાશી થાપા હતું. તેમણે માર્ગદર્શન આપ્યું હતું. ટ્રેકિંગ કરતી વખતે માઇનસ તાપમાન અને બરફના કઠણ સ્તર પર ચાલવું ખૂબ મુશ્કેલ હતું. સૌથી મોટી મુશ્કેલી પીવાના પાણીની હતી. બરફમાં જ એકથી દોઢ ફૂટનો ખાડો ખોદીને પાણી કાઢવું પડતું હતું. આ પાણીને ગરમ કર્યા પછી તેને ગાળીને પીધું હતું.
આવી મુસીબતો હોવા છતાં તિરંગો લહેરાવ્યો તો બધી જ મુશ્કેલીઓ વિસરાઇ ગઈ હતી.