Published By : Parul Patel
દેશના રાજસ્થાનમાં આવેલું ભગવાન ભોળાનાથનું મંદિર ચમત્કારિક છે. આ મંદીર રાજસ્થાનના ધોલપુર જિલ્લામાં આવેલું છે. મંદિરનું નામ ‘અચલેશ્વર મહાદેવ’ છે. ધોલપુર જિલ્લો રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સરહદ ઉપર આવેલો છે. આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે, કે અહિયાં આવેલું શિવલિંગ દિવસમાં ત્રણ વખત રંગ બદલે છે. સવારના સમયે શિવલિંગનો રંગ લાલ હોય છે, બપોરે કેસરિયો અને રાત્રે આ ચમત્કારિક શિવલિંગ શ્યામ રંગનું થઇ જાય છે.
આ શિવલિંગ વિશે એક વાત બીજી પણ પ્રસિદ્ધ છે કે, આ શિવલિંગનો છેડો આજ સુધી કોઈ શોધી નથી શક્યું. આસપાસના લોકો જણાવે છે કે ઘણા વર્ષો પહેલા આ શિવલિંગનો રંગ બદલવાની ઘટના જાણવા માટે ખોદકામ કરવામા આવ્યું હતું. ત્યારે ખબર પડી કે આ શિવલિંગનો કોઈ છેડો પણ નથી.અચલેશ્વર મહાદેવના રંગ બદલવા પાછળનું કારણ શું છે, તે જાણવા માટે પુરાતત્વ વિભાગ પણ કામ કરી ચૂક્યું છે, પરંતુ રંગ બદલવા અંગેનુ કારણ જાણી શકાયું નથી.
મંદિરના મહિમાનું વર્ણન કરતા પુજારી જણાવે છે કે, આ મંદિરનું મહત્વ તો હજારો વર્ષોથી એવું ને એવું જ છે, છતાં પણ મોટી સંખ્યામાં ભક્તો એટલા માટે નથી આવી શકતા, કારણ કે અહીંયા આવવાનો રસ્તો આજે પણ કાચો અને ખાડા-ખૈયાવાળો છે. આજે પણ તે એક રહસ્ય છે કે આ શિવલિંગનો ઉદ્દભવ કેવી રીતે થયો અને કેવી રીતે પોતાનો રંગ બદલે છે. ભગવાન અચલેશ્વર મહાદેવનું આ મંદિર હજારો વર્ષ જૂનું હોવાનુ મનાય છે.