અમરેલી જિલ્લામાં લાખો રૂપિયાની રેતીચોરી કૌભાંડ સામે આવ્યું છે. રેતીચોરીના કૌભાંડનો મામલતદારે પર્દાફાશ કરી લાખો રૂપિયાની મશીનરી કબ્જે કરી છે. આ અંગેની તપાસ ખાણખનીજ વિભાગને સોંપી દેવામાં આવી છે. ત્યારે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા ડો. ભરત કાનાબારે વડાપ્રધાન મોદીને ટેગ કરી એક ટ્વીટ કરતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ટ્વીટમાં ભાક્ષી ગામ પાસેથી ઝડપાયેલા રેતીચોરીના કૌભાંડને જિલ્લાનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું હતું અને સાથે લખ્યું હતું કે,સરકારી કામોમાં ભાગો રાખવાની ટેવ ધરાવતા લોકપ્રતિનિધિ દ્વારા પ્રામાણિક અધિકારીઓ પર દબાણ લાવવાના ધમપછાડા કરાતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર રાજુલા તાલુકાના ભાક્ષી ગામ પાસે આવેલી નદીમાં બેરોકટોક રેતી ચોરી થતી હોવાની બાતમીના આધારે ગતરાત્રિએ સંદિપસિંહ જાદવ અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો. મામલતદાર અને તેમની ટીમે ઘટનાસ્થળ પરથી રેતી કાઢવા માટેની મશીનરી સાથેની ચાર બોટ અને એક હિટાચી મશીન કબજે કર્યું હતું. આ ઉપરાંત કાંઠા વિસ્તારમાંથી મસમોટો રેતીનો જથ્થો પણ મળી આવ્યો હતો.