ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપના દિગ્ગજો નરેન્દ્ર મોદી અને અમિત શાહ સતત વિકાસલક્ષી કાર્યોને લઈ રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. તેવામાં વડાપ્રધાનના પ્રવાસ પછી હવે આજે શુક્રવારે અમિત શાહ પણ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જ્યાં તેઓ 4 ઝોનમાં સ્થાનિક આગેવાનો તથા કાર્યકર્તાઓ સાથે વાતચીત કરશે. આ દરમિયાન તેઓ ચૂંટણીલક્ષી તૈયારીઓ અને રણનીતિને અંતિમ ઓપ આપવા જઈ રહ્યા છે.
અમિત શાહ દિવાળી ગુજરાતમાં ઉજવશે
ગુજરાતમાં ભાજપના કાર્યકર્તાઓ તથા નેતાઓને યોગ્ય માર્ગદર્શન આપવા માટે અમિત શાહ ગુજરાત પ્રવાસે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેઓ 26 ઓક્ટોબર સુધી રાજ્યમાં જ રહેશે અને અહીં દિવાળી પણ ઉજવશે. નોંધનીય છે કે તેમના આ પ્રવાસ પાછળનો મુખ્ય હેતુ ચૂંટણીલક્ષી તૈયારીઓનું અવલોકન કરી અંતિમ ઓપ આપવા પર રહેશે.4 ઝોનમાં તેઓ સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે તથા તેમનો સાથ સી.આર.પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ પણ આપશે. ઉલ્લેખનીય છે કે આની સાથે અમિત શાહ ઉત્તર ગુજરાતની બેઠકો તથા દક્ષિણ ગુજરાતની બેઠકોને આવરી લેવા માટે ત્યાંના આગેવાનો તથા કાર્યકર્તાઓ સાથે પણ ખાસ બેઠક કરી શકે છે. ભાજપ દ્વારા નિરીક્ષકોને વિધાનસભા પ્રવાસે મોકલવાની રણનીતિ બનાવી છે. એમના દ્વારા 27,28 અને 29 તારીખે વિધાનસભાના પ્રવાસો કરીને જે જે લોકોને ઉમેદવારી નોંધાવવી હોય તેમની સાથે વન ટુ વન ચર્ચા કરશે. આની સાથે ઉમેદવારી ઈચ્છુક લોકો વાર્તાલાપ કરી એક રિપોર્ટ તૈયાર કરશે. ત્યારપછી આ રિપોર્ટને પર્લામેન્ટ્રી બોર્ડમાં મોકલાશે તથા આના આધારે ટિકિટોનું ગણિત પણ થઈ શકે એવી ધારણા કરાઈ રહી છે