Published by : Rana Kajal
- ગીરની જી.આઇ.ટેગ કેસર કેરીના જથ્થાને ઝઘડીયા તાલુકામાં પ્રોસેસ કરાયો હતો
- અગાઉ પાણેથા ગામના ખેડૂતના કેળા અને કમલમ ફ્રુટનો જથ્થો પણ ઝઘડિયાથી નિકાસ કરાયો હતો.
ગુજરાતની મીઠી મધુર કેસર કેરી અત્યાર સુધી અન્ય રાજ્યોથી વિદેશોમાં નિકાસ કરવામાં આવતી હતી. જોકે સૌપ્રથમવાર આ સીઝનમાં કેસર કેરી ઝઘડીયા તાલુકામાંથી સીધી સાઉથ આફ્રિકાના બજારોમાં મોકલવામાં આવી છે.
ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામ નજીક આવેલા એબીએનએન ફ્રેશ પેક હાઉસના ડાયરેક્ટર નાગેન્દ્ર મિક્ષ્રાએ જણાવ્યું હતુ કે અત્રેના પેક હાઉસમાં કેરીઓના જથ્થાને ખુબ જ જીણવટ ભરી રીતે પ્રોસેસ કરવામાં આવે છે. હાલ ભારતના અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાંથી વિવિધ ખાણીપીણીની ચીજવસ્તુઓની વિદેશોમાં નિકાસ કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદની એક સ્પોર્ટર કંપની દ્વારા ગીરની જી.આઇ.ટેગ પ્રકારની કેસર કેરીનો જથ્થો અત્રે પ્રોસેસમાં આવ્યો હતો અને કેસર કેરીના જથ્થાને તબક્કામાં પ્રોસેસ કર્યા બાદ આ કેરીના જથ્થાને ઉચ્ચ ક્વોલિટીના પેકિંગમાં ભારત દેશથી સૌપ્રથમવાર સાઉથ આફ્રિકા મોકલવામાં આવ્યો છે.ગુજરાતની કેસર કેરી દેશ વિદેશમાં પ્રખ્યાત છે અને તેની નિકાસ પણ સારી એવી થાય છે. ગુજરાતમાં દર વર્ષે ૩-૩.૫ લાખ ટન કેસર કેરીનું ઉત્પાદન થાય છે.

વેપારીઓ તેમજ નિકાસકારોના મતે કેસર કેરીના કુલ ઉત્પાદનમાંથી ૨૦-૨૫ % કેરી જાપાન, અમેરિકા, ગલ્ફના દેશો, યુરોપ, કેનેડા સહિતના દેશોમાં નિકાસ કરવામાં આવે છે. બે વર્ષના કોરોના કાળ દરમિયાન કાર્ગોના ભાડાનો વધારો, લોકડાઉન જેવી પરિસ્થિતિઓ ઉભી થતા કેસર કેરીની નિકાસ માટે કોઇ પુછપરછ કરતુ ન હતુ પરંતુ કોરોના કાળ બાદ હાલ કેરીની વિદેશોમાં માંગમાં વધારો નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૨૧ના વર્ષમાં ઝઘડીયા તાલુકામાંથી પ્રથમ વખત ડ્રેગન ફ્રુટ (કમલમ ફ્રુટ)નો જથ્થો યુ.કે.લંડન મોકલવામાં આવ્યો હતો અને પાછલા મહિને પણ ઝઘડીયા તાલુકાના પાણેથા ગામના ખેડૂત દ્વારા ઉત્પાદિત કેળા પણ ગલ્ફના દેશોમાં મોકલવામાં આવ્યા હતા. આમ ઝઘડીયા તાલુકામાંથી બહારના દેશોમાં કેસર કેરી, કેળા, ડ્રેગન ફ્રુટનો જથ્થો રવાના કરવામાં આવતા તાલુકાનું નામ દેશ-વિદેશમાં ફેલાતા તાલુકાના લોકોમાં ગર્વ સાથે ખુશાલીનો માહોલ છવાયો છે…
