Published by : Rana Kajal
અયોધ્યામાં રામ મંદિર ક્યારે તૈયાર થઇ જશે તે અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રિપુરામાં જાહેરાત કરી છે. શાહે કહ્યું કે રામ મંદિર 1 જાન્યુઆરી 2024 સુધીમાં તૈયાર થઈ જશે. ત્રિપુરામાં ચૂંટણી રેલી દરમિયાન ગૃહમંત્રીએ રામ મંદિર નિર્માણની તારીખ જાહેર કરી છે. ત્રિપુરામાં જનવિશ્વાસ યાત્રા અંતર્ગત જાહેર સભામાં અમિત શાહે કહ્યું કે 2019માં હું ભાજપનો અધ્યક્ષ હતો અને રાહુલ બાબા કોંગ્રેસના અધ્યક્ષ હતા. તેઓ રોજ મંદિર વિશે પૂછતા હતા કે ‘મંદિર ત્યાં જ બનાવશે પરંતુ તારીખ કહેશે નહીં.’ રાહુલ બાબા, કાન ખોલીને સાંભળો 1 જાન્યુઆરી, 2024ના રોજ તમને ત્યાં ગગનચુંબી રામ મંદિર તૈયાર જોવા મળશે.ત્રિપુરાના વિકાસને લઈને અમિત શાહે કહ્યું કે, અમને વધુ પાંચ વર્ષ આપો અમે નાના રાજ્યોમાં ત્રિપુરાને સૌથી વધુ સમૃદ્ધ બનાવીશું. તેમણે કહ્યું કે ત્રિપુરામાં જે કામ થયું છે તે માત્ર ટ્રેલર છે પિક્ચર હજુ બાકી છે.
કોંગ્રેસ પર વધુમાં નિશાનો સાધતાં શાહે જણાવ્યું કે સોનિયા-મનમોહન સરકારમાં વારંવાર પાકિસ્તાનથી ઘુસણખોરો આવીને આપણા જવાનોને મારીને જતા હતા. પરંતુ સરકારને કંઇ ફરક ન પડ્યો. હવે અહીં મોદી સરકાર છે. 10 જ દિવસની અંદર સર્જિકલ અને એર સ્ટ્રાઇક કરી પાકિસ્તાનનાં ઘરમાં ઘૂસીને આતંકવાદીઓની ધજ્જિયા ઊડાડી દીધી હતી