Published by : Rana Kajal
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી 9મી ફેબ્રુઆરીથી બોર્ડર-ગાવસ્કર સીરિઝની શરૂઆત થઈ રહી છે. ભારત સામેની પ્રતિષ્ઠિત બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ટેસ્ટ શ્રેણી અગાઉ ઓસ્ટ્રેલિયાએ અલૂરમાં ચાર દિવસના વિશિષ્ટ નેટ પ્રેક્ટિસ સેશનની તૈયારી શરૃ કરી દીધી છે. ભારતના ટોચના સ્પિનર અશ્વિનનો સામનો કરવા માટે ઓસ્ટ્રેલિયાએ ભારતના જ બોલરોનો સહારો લીધો છે. અશ્વિન જેવી જ એક્શન ધરાવતા બરોડાના રાઈટ આર્મ ઓફ સ્પિનર મહેશ પિઠીયાને ઓસ્ટ્રેલિયાએ બેંગાલુરુના અલૂરમાં ચાલી રહેલા નેટ પ્રેક્ટિસ સેશનમાં બોલાવ્યો છે અને તેની સામે સ્ટીવ સ્મિથ તેમજ લાબુશૅન સહિતના બેટસમેનો લાંબા સમય સુધી પ્રેક્ટિસ કરતાં જોવા મળ્યા હતા.
જૂનાગઢમાં જન્મેલા મહેશ પિઠીયાએ બરોડા તરફથી ચાર ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે અને તેમાં કુલ 8 વિકેટ ઝડપી છે. મહેશની સાથે અન્ય સ્પિનરોને પણ ઓસ્ટ્રેલિયાની ટીમે બોલાવ્યા છે. જેમાં જમ્મુ-કાશ્મીરના સ્પિનર અબીદ મુસ્તાક ઉપરાંત લેફ્ટ આર્મ સ્પિનર શશાંક મલ્હોત્રા અને થ્રો-ડાઉન સ્પેશ્યાલિસ્ટ ખલીફ શરિફને પણ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને સ્પિન બોલિંગનો સામનો કરવા માટે તૈયાર કરી રહ્યા છે.