ઈરાનમા કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠતા હોય છે.આ દેશમા આજે પણ કુદરતી એસી નો ઉપયોગ થઈ રહયો છે. હજારો વર્ષ જૂની આ “બાદ ગીર”ટેકનીક થી ઠંડકનો એહસાસ થાય છે સાથેજ કોઇ વિજળીનો ખર્ચ થતો નથી. કે કોઇ ઝંઝટ પણ અનુભવવી પડતી નથી….. ‘બાદગીર’ નો અર્થ ઈરાનમાં ‘ હવા પકડવાવાળા’ તરીકે કરવામાં આવે છે. ઈરાનના રણમેદાનમાં આવેલા યઝ્દ શહેરમાં અતિશય ગરમી પડે છે.
પરંતુ બાદગીરના ટાઢક આપતાં આંગણામાં બેસીએ તો તપતા સૂરજની ગરમી પણ ઓછી લાગે. સાથેજ એમ પણ લાગે કે માણસે ગરમીમાંથી રાહત મેળવવાની તકનીક હજારો વર્ષો પહેલાં વિકસાવી લીધી હતી. બાગદીર’એટલે કે હવા પકડવાનું સાધન, આ વસ્તુ એક ચીમની જેવી છે, જે યઝ્દ અને ઈરાનના રણ વિસ્તારની જૂની ઇમારતો પર આજે પણ જોવા મળે છે.તે ઠંડી હવા પકડીને ઇમારતમાં નીચે લઈ જવાનું કામ કરે છે. તેની મદદથી મકાનને ઠંડું રાખી શકાય છે અને સખત ગરમીથી ખરાબ થઈ જતી વસ્તુઓને પણ બચાવી શકાય છે. આ અંગે તમામ સંશોધનો બાદ સાબિત થયું છે કે ‘બાદગીર’ની મદદથી તાપમાનને દસ ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું લાવી શકાય છે ઠંડક મેળવવા માટે મોટા ભાગની ઇમારતોને એ રીતે બનાવવામાં આવતી કે હવાની અવરજવર કુદરતી રીતે થઈ શકે. બાદગીર અથવા આવી હવાદાર ઇમારતો મધ્ય-પૂર્વથી લઈને ભારત-પાકિસ્તાન સુધીના વિસ્તારોમા જોવા મળે છે.

બાદગીર ઇમારતોનાં સૌથી ઉપરના ભાગમાં બનાવવામાં આવે છે. તેથી તેની દેખરેખ રાખવી એ સૌથી મોટો પડકાર હોય છે.મધ્ય-પૂર્વના દેશોથી લઈને પાકિસ્તાન અને સાઉદી અરબ સુધી ‘બાદગીર’ જોવા મળે છે. તે ઇરાકની અબ્બાસી ખલીફાઓના વખતના મહેલોની ચોરસ ઇમારતોને મળતી આવે છે.”આ મહેલો ઇરાકના ઉખૈદર વિસ્તારમાં આઠમી સદીમાં બનાવ્યા હતા.જોકે એક માન્યતા એવી પણ છે કે બાદગીરનો વિકાસ પહેલાં આરબ દેશોમાં થયો. જ્યારે આરબોએ ઈરાન પર જીત મેળવી ત્યારે તેમની સાથે આ શૈલી પર્શિયા પહોંચી હતી.
યઝ્દ શહેરના મોટા ભાગના બાદગીર લંબચોરસ આકારના છે. જેમાં ચારે તરફ હવાની અવરજવર માટે ખાંચા છે. પરંતુ સ્થાનિકો જણાવે છે કે, છ અને આઠ મોંવાળા બાદગીર પણ હોય છે.બાદગીરમાં દરેક દિશામાંથી આવતી હવા પકડવા માટે ખાંચા બનાવવામાં આવે છે. જ્યારે યઝ્દથી થોડે દૂર આવેલા કસબા મેબૂદમાં માત્ર એક તરફ ખાંચાવાળા બાદગીર જોવા મળે છે કારણ કે, ત્યાં હવા માત્ર એક જ દિશામાંથી આવે છે.બાદગીરની રચના એવી રીતે કરવામાં આવી છે કે, તે દરેક તરફથી આવતી હવાને ખેંચીને સાંકડા રસ્તામાંથી નીચે સુધી લઇ જાય છે.ઠંડી હવાના દબાણથી ગરમ હવા બહાર નીકળી જાય છે.

આ ગરમ હવાને બહાર નીકળવા માટે બાદગીરની પાછળની તરફ એક બારી જેવી જગ્યા રાખવામાં આવે છે.જો ઠંડો પવન વાતો ન હોય તો પણ તે ગરમ હવા પર દબાણ કરીને તેને ધક્કો મારીને બહાર કાઢવાનું કામ કરે છે ઇમારતને બે ભાગમાં વહેંચવાનો હેતુ ઠંડીમાં સૂરજનાં તાપનો વધુમાં વધુ ઉપયોગ કરવાનો અને ગરમીમાં સૂરજથી દૂર રહેવાનો છે.બાદગીરમાં થઈને આવતી હવા એક કમાનમાં થઈને પસાર થાય છે, જે મકાનના ભોંયરા સુધી જાય છે.ભોંયરામાં ગરમીને લીધે જલ્દી બગડી જતી વસ્તુઓ મૂકવામાં આવે છે, આ ઇમારતનાં 38 પગથિયાં ઊતરીને જો નીચે જઈએ તો ઠંડીનો અનુભવ થાય છે.આ ભાગને સર્દાબ (ઠંડું પાણી) કહેવાય છે, ત્યાંથી નહેરોનું પાણી પસાર કરવામાં આવે છે.ઠંડી હવા અને પાણી મળીને આ કોઠારને રેફ્રિજરેટર બનાવી દે છે. એક જમાનામાં આવા કોઠારમાં બરફ રાખવામાં આવતો હતો….