સમગ્ર દેશમા IAS અને IPS અમલદારોની ખૂબ અછત જણાઈ રહી છે. ઍક પણ રાજ્ય એવું નથી કે જ્યા IAS કે IPS અમલદારોની અછત ન હોય. જૉકે આ સમસ્યાના નિરાકરણ માટે આયોજન કરાઇ રહ્યું છે…
હાલમા દેશમા એક પણ રાજ્ય એવું નથી જ્યાં વહીવટી પદો પર વેકેન્સી ન હોય એક આઈએએસ અધિકારી પર અનેક વિભાગોની જવાબદારી દેશભરમાં આઈએએસ અને આઈપીએસનાં 2300થી વધુ પદ ખાલી છે. દેશમાં એવું એક પણ રાજ્ય નથી જ્યાં આ બંને માટે મંજૂર પદો માટે વેકેન્સી ન હોય. આઈએએસના કુલ 1472 અને આઈપીએસનાં 864 પદ ખાલી છે. કાર્મિક, લોકફરિયાદ તથા પેન્શન મંત્રાલય દ્વારા મળેલી માહિતી અનુસાર દેશભરમાં આઈએએસના કુલ મંજૂર પદ 6789 છે જ્યારે આઈપીએસ માટે મંજૂર પદ 4984 છે.
મંત્રાલયના સૂત્રોએ કહ્યું કે આ ઉચ્ચ અધિકારીઓની અછતને કારણે જુદા જુદા રાજ્યોમાં વહીવટી અને કાયદો-વ્યવસ્થા સંચાલનમાં તકલીફ પડે છે. ખાલી પદોને ન ભરવાથી વહીવટી કામમાં વિલંબ થાય છે. વર્તમાનમાં અનેક રાજ્યો એવાં છે જેમાં એક આઈએએસ અધિકારી પર અનેક વિભાગોની જવાબદારી છે એટલા માટે કોઈ ને કોઈ વિભાગ એવો રહી જાય છે જ્યાં અપેક્ષા અનુસાર કામ થતાં નથી. ખાસ કરીને અધિકારીઓ રજા પર હોવા કે બીમાર હોવાની સ્થિતિમાં પેન્ડિંગ ફાઈલોની સંખ્યા વધી જાય છે. અનેકવાર સમયસર નિર્ણય ન થવાથી અનેક યોજનાઓ પણ અટકી જાય છે.
કેન્દ્ર સરકાર અને આઈએએસ અધિકારીઓની બદલીના સંબંધમાં નિયમોમાં ફેરફાર અંગે રાજ્યો અને કેન્દ્ર વચ્ચે વિવાદ પણ છે. કેન્દ્ર એવો આરોપ મૂકે છે કે રાજ્ય કેન્દ્રમાં નિમણૂક થતા આઈએએસ અધિકારીઓને મોકલવામાં આનાકાની કરે છે. તેનાથી કામકાજ પ્રભાવિત થાય છે. કેન્દ્ર દ્વારા કોઈ અધિકારીની નિમણૂક માગવામાં આવતા તેને રાજ્યમાં કાર્યમુક્ત કરવા ફરજિયાત કરવાનો નિયમ પ્રસ્તાવિત કરાયો છે. કેન્દ્ર કહે છે કે રાજ્યોથી કેન્દ્રમાં નિમણૂક પર આવતા અધિકારીઓની સંખ્યા સતત ઘટતી જઈ રહી છે. સમસ્યા ના નિરાકરણ માટે સિવિલ સર્વિસીઝની પરીક્ષા 2021થી પહેલાં સરકારે વર્ષ દરમિયાન ભરતી કરાતા આઈએએસ અધિકારીઓની સંખ્યા વધારી 180 કરી દીધી હતી. આ રીતે આઈપીએસ અધિકારીઓની સંખ્યા 2020થી 200 કરી દેવાઈ છે.