- બન્ને નગરો 10 થી 12 ફાયર ફાઈટરોના સાયરનોની ગુંજથી રણકી ઉઠ્યા
- ભરૂચ ભોલાવમાં આવેલી 53 વર્ષ જૂની વેક્સ બાનવતી કંપનીમાં આગથી આકાશમાં કાળા ધુમાડા છવાયા
- અંકલેશ્વર GIDC માં સોલ્વન્ટના ગોડાઉનમાં ભીષણ આગ, એકને 108માં સારવાર અર્થે ખસેડાયો
- કાળા ધુમાડા સાથે આગના ગોટે ગોટાને લઈ ફાયરબ્રિગેડના સાયરનોથી ઔદ્યોગિક વસાહત ગુંજી
- ભરૂચ પાલિકાના લાશ્કરો, ડીપીએમસી, જીપીસીબી, પોલીસ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી સહિતનું તંત્ર ઘટના સ્થળે દોડી ગયું
ભરૂચ ભોલાવ અને અંકલેશ્વર જીઆઈડીસીમાં એક સમયે જ આગની 2 ઘટનાઓથી બન્ને નગરો ફાયર ફાઈટરોના સાયરનોથી ગુંજી ઉઠ્યા હતા. આકાશમાં દૂર દૂર સુધી કાળા ધુમાડાનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. અંકલેશ્વર GIDC માં ETL ચોકડી નજીક સોલાવન્ટના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઇ છે. ફાયરબ્રિગેડના સાયરનોથી ઔદ્યોગિક વસાહત ધણધણી ઉઠી હતી.અંકલેશ્વર જીઆઈડીસીમાં ઇટીએલ ચોકડી નજીક આવેલા સોલ્વન્ટના ગોડાઉનમાં આજે ગુરૂવારે એકાએક આગ ભભૂકી હતી. સોલ્વન્ટના જથ્થાને લઇ ધુમાડાના કાળે કાળા ગોટા સાથે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વિસ્તારમાં ભયના માહોલ સાથે દોડધામ મચી ગઇ હતી.

ઘટનાની જાણ થતા ડીપીએમસીના ફાયર ફાઈટરો સાથે અન્ય કંપનીના લાશ્કરો પણ સાયરનો રણકાવતા રણકાવતા આગને કાબુમાં લેવા સ્થળ તરફ જવા રવાના થયા હતા. ભડકે બળતા સોલ્વન્ટના ગોડાઉનને લઈ પોલીસ, જીપીસીબી અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ પણ દોડી આવ્યું હતું. લાશ્કરોએ આગ ઉપર કાબુ મેળવવા પ્રયત્નો શરૂ કરી દીધા હતા. દરમિયાન આગમાં એક વ્યક્તિ દાઝી જતા તેને 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હોવાના અહેવાલો મળી રહ્યા છે.જોકે પ્રાથમિક વિગતો મુજબ ઘટનામાં કોઈ અન્ય કોઈ જાનહાની થવા પામી ન હતી. આ ઉપર કાબુ મેળવ્યા બાદ તપાસમાં ક્યાં કારણોસર સોલ્વન્ટ ભડકે બળ્યું હતું તેની વિગતો બહાર આવી શકશે.
હજી અંકલેશ્વરની સોલવન્ટની આગ બુઝાઈ ન હતી. ત્યાં જ ભરૂચમાં પણ આકાશમાં દૂર દૂર સુધી કાળા ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. ભરૂચ જીઆઇડીસીમાં ભોલાવમાં આવેલી કંપનીમાં લાગેલી આગના ધુમાડા છેક કલેકટર કચેરી સુધી પોહચી ગયા હતા.ભોલાવમાં WAXOILS નામની 53 વર્ષ જૂની કંપનીમાં ભભૂકેલી આગમાં ભરૂચનું આકાશ ત્રણ થી પાંચ કિલોમીટર સુધી કાળા ધુમાડાના ગોટા ગોટાથી છવાઈ જતા ભયનો માહોલ છવાઈ ગયો હતો. છ થી
સાત ફાયર ફાઈટરોએ દોડી આવી વેક્સઓઈલ્સ કંપનીમાં લાગેલી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પેટ્રોકેમિકલ્સ અને વેક્સના કારણે આગે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું.