Published By : Parul Patel
આજથી અષાઢ માસની નવ દિવસીય દેવી ઉપાસના એટલે કે, ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ થયો છે. આ નવરાત્રી 19 થી 27મી જૂન સુધી ચાલશે. આ ગુપ્ત નવરાત્રિમાં દેવી માતાની પૂજા કરવામાં આવે છે. તંત્ર-મંત્ર સાથે જોડાયેલા લોકો પણ આ નવરાત્રીમાં સાધના કરે છે. સામાન્ય લોકો ગુપ્ત નવરાત્રિમાં માતાના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરે છે. પૂજામાં મંત્રોના જાપ અને ધ્યાન કરવાથી નકારાત્મકતા અને અશાંતિ દૂર થાય છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા મુજબ, દેવી સતીના ક્રોધને કારણે મહાવિદ્યાઓનું પ્રાગટ્ય થયું. આ અંગે એક દંતકથા અનુસાર, દેવીના પિતા દક્ષ પ્રજાપતિ શિવ અને સતીના લગ્નથી ખુશ ન હતા. સતીના પિતા દક્ષ પ્રજાપતિ ભગવાન શંકરનું અપમાન કરતા હતા. દક્ષ પ્રજાપતિએ એક દિવસ યજ્ઞનું આયોજન કર્યું. તમામ દેવી-દેવતાઓ અને ઋષિઓને યજ્ઞમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા.

આ યજ્ઞમાં શંકર અને સતીને ના બોલાવ્યા. જ્યારે સતીને પિતાને ત્યાં યજ્ઞ હોવાની જાણ થઈ, ત્યારે સતીને પિતાને ત્યાં યજ્ઞમાં સામેલ થવાનું મન થયું અને આ વાત તેમને શિવને કહી. ત્યારે ભગવાન શિવે કહ્યું કે,આમંત્રણ મળ્યું નથી, તેથી આપણે ત્યાં ન જવું જોઈએ. સતી તેના પિતાને ત્યાં જવાનો આગ્રહ રાખ્યો. શિવજીએ વારંવાર દેવીને રોક્યા. પરંતુ, શિવના રોકવાથી સતી ક્રોધિત થઈ ગયા અને દેવીની મહાવિદ્યાઓ દસ દિશાઓથી પ્રગટ થઈ. દેવીનો ક્રોધ જોઈ શિવજીએ પોતાનો રસ્તો છોડી દીધો. આ પછી જ્યારે દેવી સતી દક્ષના સ્થાન પર પહોંચી તો ત્યાં શિવનું અપમાન થતું જોઈને તેમણે યજ્ઞકુંડમાં કૂદીને પોતાના શરીરનો ત્યાગ કર્યો. ગુપ્ત નવરાત્રિમાં દેવી સતીની આ જ દસ મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે.

અષાઢ નવરાત્રી એટલે કે ગુપ્ત નવરાત્રી દરમિયાન હવામાન બદલાવા લાગે છે. ઉનાળો પૂરો થાય છે, અને વરસાદ શરૂ થાય છે. હિન્દૂ ધર્મમાં તહેવારો એ પ્રમાણે આવે જ છે જેથી ઉપવાસ કરીને અને અમુક વસ્તુઓ ખાવાનું ટાળવાથી જીવનશૈલીને લઈને તકેદારી રાખી શકાય. ઉપવાસ કરવો અથવા અમુક વસ્તુઓ ખાવા-પીવાનું ટાળવું એના કારણે અપચો, ગેસ જેવી સમસ્યાઓ થવાની સંભાવના ના રહે છે. ઉપવાસ કરવાથી, ધ્યાન, મનને શાંત કરવા અને નકારાત્મક વિચારોને દૂર કરવા સાથે સકારાત્મકતા વધારે છે.