Published By:-Bhavika Sasiya
- આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ છે ત્યારે ભગવાન ગંગાઘર શિવ અંગે રસપ્રદ માહિતી…
રાજા ભગીરથે તેમના પૂર્વજોના મોક્ષ તથા જનકલ્યાણ માટે ગંગાજીને પૃથ્વી પર લાવવા કઠોર તપ કર્યું. તપથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ વરદાન આપ્યું કે સર્વકલ્યાણકારી ગંગા પૃથ્વી પર આવશે, પરંતુ સમસ્યા એ હતી કે ગંગાજીના વહેણને પૃથ્વી પર ઝીલશે કોણ?

આ જટીલ સમસ્યાનું સમાધાન કરતાં બ્રહ્માજીએ કહ્યું કે ગંગાજીને ધારણ કરવાની શક્તિ ભગવાન શંકર સિવાય કોઈનામાં નથી, તેથી ભગવાન રુદ્રને પ્રસન્ન કરવા જોઈએ.પછી ભગીરથે ભોળાનાથને પ્રસન્ન કરવા કઠોર તપ કરવા લાગ્યા. તપથી પ્રસન્ન થઈને શિવજીએ કહ્યું, ‘નરશ્રેષ્ઠ, હું તારા તપથી પ્રસન્ન થયો છું. હું ગિરિરાજકુમારી ગંગાને મારા મસ્તક પર ધારણ કરીને સમસ્ત પ્રાણીઓના કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરીશ…હિમાલયની જ્યેષ્ઠ પુત્રી ગંગાજી ખૂબ જ પ્રબળ વેગથી આકાશમાંથી ભગવાન શંકરના મસ્તક પર પડ્યાં. તે સમયે ગંગાજીના મનમાં ભોળાનાથને પરાજિત કરવાની પ્રબળ ઇચ્છા થઈ. ગંગાજીના આ અહંકારને જાણીને શિવજી કોપાયમાન થયા ને તેમણે ગંગાજીને અદૃશ્ય કરવાનો વિચાર કર્યો. ગંગા જ્યારે શિવજીના મસ્તક પર પડ્યાં પછી તેમની જટાઓમાં જ ફસાઈ ગયાં. જ્યારે ભગીરથે આ જોયા પછી ફરીથી ભોળાનાથને પ્રસન્ન કરવા તપ કર્યું. તપથી સંતુષ્ટ થઈને શિવજીએ ગંગાજીને બિંદુ સરોવરમાં છોડ્યાં. ત્યાંથી ગંગાજીની સાત ધારાઓ થઈ. ભગવાન શંકરની કૃપાથી ગંગાજીનું ધરતી પર અવતરણ થયું તેથી તેઓ ગંગાધર કહેવાયા.’