- નિરીક્ષકોએ શરૂ કરી ટિકિટ ઈચ્છુકોને સાંભળવાની કવાયત…
- પેહલા દિવસે અંકલેશ્વર અને ભરૂચની ટિકીટો માટે થઈ ઉમેદવારી:ભાજપમાં સત્તા જોઈ ને ટિકીટ માટે મોટા ટોળાં…
(Blog by Naresh Thakkar) ગુજરાત વિધાનસભાની આવનારી 15 મી ચૂંટણી માટે હવે ગરમી ચરમ સીમાએ પહોંચી ચુકી છે.30 વર્ષથી ગાંધીનગરની ગાદી પર રાજ કરનારા,ભારતીય જનતા પાર્ટીના કમળની મદદથી શાસન ધૂરા સંભાળનાર સહુ પોતાની સત્તાની અને શાખની સલામતી માટે કાંઈ પણ કરવા તૈયાર છે,તો કોંગ્રેસ દૂધથી દાઝેલી છાશ પણ ફૂંકીને પીવે એવી રીતે અન્ડરગ્રાઉન્ડ કહો કે દેડકા ચાલે ચાલી રહી છે…કોઈ ઝાઝો હો હા કે દેખાડા કર્યા વિના…જેવું મોદીજી જાહેરસભામાં બોલે છે બિલકુલ એવું બિલ્લી પગે…એટલું ઓછું હોય એમ પંજાબ જીતીને નશામાં આવેલી ‘આપ’ ને ગુજરાતમાં ‘રેવડી’ ક્લચર ક્લચરનો ટેસ્ટ પ્રજાને કરાવી અહીં પણ સત્તા કબજે કરવાની જાણે ઉતાવળ આવી છે…હા સૌરાષ્ટ્ર અને ગરીબ,પછાત વિસ્તારોમાં કમળની દાંડી મોંઘવારી અને મફતની લાલચના કારણે કરમાઈ તો છે અને તેથી આવા સંજોગોમાં થોડો સળવળાટ,હો હા સાથે એન્ટી ઈંકમબન્સીનો ડર ભાજપને હજુ ચૂંટણી ડિકલર કરતા અટકાવી રહ્યો છે એ સ્પષ્ટ છે.પણ ચૂંટણી તો કરવીજ પડશે ને..? વિચારી વાર કરવામાં ઝાડુ બેઠકો વાળી ના જાય એ ચિંતા એ છેવટે ભાજપ હાઈ કમાન્ડ સક્રિય થયું છે.
બે દિવસ પેહલા સમાચાર પત્રોએ અમિત શાહની હેડલાઈન છાપી ભાજપની વર્તમાન સરકારના ધારાસભ્યોના બળવાની સંભાવનાઓ ને લગભગ ઉભરો ઠારી દીધો…પાલનપુરમાં CMની હાજરીમાં ચોખવટ કરતા અમિત શાહે કહ્યું કે જીતી શકે એવા તમામ ઉમેદવારોને ટિકિટ આપવા લાયક ગણાશે…પછી એ 3 ટર્મ જીતેલો હોય કે અગાઉ હારેલો ઉમેદવાર હોય,માત્ર ‘જીતવા’ને જ લાયકાત ગણવાની જાહેરાત સાથે ભાજપની આંતરિક ઉથલપાથલને લગભગ નેતાજીએ ઠારી દીધી…આટલું ઓછું હોય એમ નિરીક્ષકોની નિમણુંક પણ કરી નાખી છે જેમાં સિનિયરોને જવાબદારી તો આપી..પણ એવું કોઈ કડક કથન હજુ નથી આવ્યું કે નિરીક્ષકોને,વર્તમાન જિલ્લા પ્રમુખો કે મહામંત્રીઓને ટિકિટ નહીં જ અપાય.
બલ્કે આજે CR પાટીલે ખુદ ટ્વિટ કર્યું કે ઉમેદવારી કરવાનો ઉત્સાહનો વધારો એ જ ભાજપની જીતનો પાયો છે…બધા એ ચૂંટણી લડવાનો અધિકાર છે…કામરેજના ઉમેદવાર પ્રફૂલ્લ પાનશેરીઆએ પણ કહ્યું કે ઉમેદવારી કરવી એ અમારો અધિકાર છે….તો કુમાર કાનાણી પણ ટિકિટ માટે યુદ્ધ એ ચઢ્યા છે…ઉદ્યોગપતિને ટિકિટ શેની…? ટિકિટ પર કોઈ આયાતી કે ઉદ્યોગપતિ નહીં પણ કાર્યકર્તાને જ પહેલો અધિકાર ગણાવ્યો…હા આને આવું તો ગુજરાતે હજુ ઘણું બધું જોવાનું છે 10-12 દિવસ….31મીએ ચૂંટણી જાહેર થયા પછી તો ખું ખાર જંગ જામશે જ,ને 10 સુધીમાં ઉમેદવારો નક્કી પણ થશે…ગુપ્તચર અહેવાલો તો કૈંક એવા છે કે દિલ્હીએ એટલે કે મોદીજી અને અમિત શાહે સંયુક્ત યાદીઓ 75% તો લગભગ ફાઇનલ કરી પણ નાખી છે,સ્ક્રીપટ લખાઈ ચુકી છે માત્ર અસંતોષ કે બળવા જેવું કૈક લાગે તો અને તો જ નાનકડા ફેરફાર થશે…બાકી છેલ્લા મંત્રીમંડળ જેવો ફેરફારના અવકાશો આપ ના ડરે આ ચૂંટણીના મુરાતીઓ સામે બહુ ઓછા છે…બહુ મોટી સાફ સફાઈ કરવાના મોદીજી કે અમિતજીના પ્રયાસો સફળ થાય એવું હમણાં તો દેખાતું નથી….કારણકે મધુ શ્રીવાસ્તવ અને કાઠિયાવાડના તેજીલા તોખારોએ તો બળવાની હણહણાતી સંભળાવી દીધી છે…હા ઘરડા ઘોડા બેસાડી દેવાશે ને બદનામ મોંઢા દબાવી દેવાશે..

જો કે મોદી એમ કાંઈ માને એવા તો નથી, ને હંમેશા છેલ્લી ઘડીએ કૈક નવું જ કરવા ટેવાયેલા છે…એટલે 5-25 અનુભવીઓ સિવાય શક્ય એટલા નવા નેતાઓની થિયરી પણ એક સમાન વાતાવરણમાં ચકરાય તો છે જ…મીડિયા પણ છાતી ઠોકી ને આગાહીઓ કરી શકતું નથી…હા ભાજપ જીતશે એવી આગાહીઓ થાય છે…એ પણ મોદીજીની આભા ને પ્રતિભાને કારણે જઆ બધા વચ્ચે આજે ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે નિરીક્ષકો નિમિષાબેન સુથાર અને શબ્દશરણ બ્રહ્મભટ્ટ આવ્યા,ભુપેન્દ્રસિંહ ચુડાસમા બાપુ એમના મતવિસ્તારના સ્નેહસમ્મેલન કારણે ન આવી શક્યા પણ કાલથી જોડાશે…ઉપરથી ઘણું બધું ફિક્સ હોવા છતાં ‘સબ સલામત’ કે કુછ ગરબડ હૈ..? હૈ તો કેસી..? એ જોવા માટે ના એક ચીલાચાલુ ખેલ જેવો અંકલેશ્વર ભરૂચ સહિત 5 બેઠકો માટે સેન્સ લેવાનો પ્રયાસ ચાલુ થયો…જોકે આવા ‘સેન્સ’ પેહલા ખુદ ભાજપમાં જ ત્રણ ઉમેદવારોની ‘પેનલો’ નક્કી હોવાની હવા પણ પાર્ટીના કાર્યકરોએ જ ફેલાવી તો છે….ને આજે માત્ર એ પેનલના 3 નહીં પણ તમામ ઈચ્છાઓ વ્યક્ત કરનારાઓ બાયોડેટા પર નિરીક્ષકો એક નજર તો નાખશે ને એમાંથી સ્ટ્રોંગ લાગતા 2-3 નવા નામોનો નાનકડો અંદેશો-સંદેશો મોવડી મંડળને પ્રક્રિયાના એક ભાગ રૂપે મોકલાશે એ પણ પાક્કું…
આજે અંકલેશ્વરની ઉમેદવારની સુનાવણીમાં ત્રણ નામો મુખ્ય હતા જેમાં કોર્પોરેટર મનીષા પટેલ એ છેલ્લી મિનિટ પોતાનો ચોકો અલગ કરી પોતે ટિકિટના દાવેદાર હોવાનું લખાવ્યું…બાકી ઈશ્વર પટેલે 5 મી ટર્મ માટે ટિકિટની હક્કથી દાવેદારી કરી તો અને મોટી પાર્ટીની ટીમ પણ એમની સાથે રહી તો કોળી સમાજમાંથી લાંબા સમયથી રાજકીય પ્રવૃત્તિમાં સક્રિય એવા ભરત નાગજી પટેલનું બીજા ક્રમે,ભરૂચ જિલ્લા ભાજપના યુવા મોરચા ના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલ…પાછલા બારણે નામ ધ્યાને આવે એવું એક નામ એટલે જી.પં.ના પૂર્વ પ્રમુખ શાંતા બેન પટેલ પણ પક્ષમાં ચર્ચાયું છે…મીનાક્ષી બેને પણ ઈચ્છા વ્યક્ત કરી છે.જનક શાહ ઉર્ફે પિન્ટુ એ પણ દાવેદારી તો કરી જ છે…
બપોર પછી હું ખુદ આ સેન્સ પ્રક્રિયાની સેલ્ફ સેન્સ લેવા સ્થળ મુલાકાતે ગયો..તો મોટું ટોળું દેખાયું…લગભગ ચર્ચાઈ ચૂકેલા નામો માં 3-5 ઉમેદવારોના મુખ્ય નામો હતા.કુલ 14 જેટલા નામોની યાદી બહાર આવી હતી…જેમાં ભરૂચના વર્તમાન ધારાસભ્ય અને ઉપદંડક એવા દુષ્યંતભાઈ પટેલ સતત 4થી ટર્મ માટે પક્ષની મુખ્ય પસંદ હોવાનું અને સામે પક્ષે એમના વિરોધીઓ અંતિમ કક્ષાના વિરોધ માટે મેદાને પડ્યા હોવાનું ભરૂચમાં ચર્ચાઈ રહ્યું હતું…સ્થળ પર વિવિધ ટીમો બનાવી પક્ષના મોવડીઓ સમક્ષ પોતાને ટિકિટ આપવા જોરદાર દલીલો તો સામે બીજાઓને કાપવા માટેના જડબેસલાક પુરાવાઓ,આક્ષેપો કરવામાં આવી…
ભરૂચ માટે મુખ્ય દાવેદારોમાં દુષ્યંત પટેલ,રમેશ મિસ્ત્રી,દિવ્યેશ પટેલ,ભરતસિંહ પરમાર,(રાજ્યમાં 5 ટર્મ મહામંત્રી રહેલા અને રાજ્યસભાના માજી સાંસદ)દક્ષા પટેલ માજી ન.પા.પ્રમુખ, ઝાડેશ્વરના ઝમકું પાપડ વાળા શૈલા બેન પટેલ જે આનંદીબેન પટેલની દીકરી અનારની ખાસ મિત્ર હોવાનું કહેવાય છે,GNFCના DR.સુષ્મા પટેલ, ઉપરાંત ભરૂચના પટેલ સક્રિય ઉમેદવારી ઇચ્છુક જીગ્નેશ પટેલ જેઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સવિશેષ સક્રિય રહે છે,એવા યુવાન પણ સ્પર્ધામાં છે….આ નામો ઉપર પહોંચશે નિરીક્ષકો દ્વારા…આવતી કાલે જંબુસર,વાગરા અને ઝગડીયા ક્રમશઃ નિરીક્ષકો સેન્સ લેશે…જોકે ભરૂચની સલામત ગણાતી 4 પૈકી માંડ એકાદ ઉમેદવાર બદલાય એવા એંધાણ તો છે જેને અમિત શાહનું કથન ટેકો આપે છે….આ તો હજુ પાશેરામાં પહેલી પુણી છે….હવે જે કાંઈ થશે એ ખુંખાર ટાંટિયા ખેંચ ને છેલ્લી ઘડીના રસ્સા ખેંચ,ટાંટિયા ખેંચના ખેલ હશે પણ કહેવાય છે કે ટિકિટોના નામ 7-9 nov પેહલા જાહેર થઈ જશે એવું ગાંધીનગરના સૂત્રો બોલે છે…(ક્રમશઃ)