- સ્મૃતિએ વળતો પ્રહાર કર્યોં કે કહ્યું-‘રાહુલ ગાંધી ડરીને ભાગી તો નહીં જાયને?’
હાલમાં જ કોંગ્રેસ નેતા અજય રાયે કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાનીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જે ચર્ચામાં છે વારાણસીના કદાવર નેતા અને કોંગ્રેસના પ્રાંતીય અધ્યક્ષ અજય રાયે કહ્યું, ‘સ્મૃતિ ઈરાની અમેઠીમાં આવે છે અને લટકા-ઝટકા કરીને જતા રહે છે.’ તેમણે સંકેત આપ્યો છે કે, રાહુલ 2024માં અમેઠીથી લોકસભાની ચૂંટણી લડી શકે છે. તેમણે એમ પણ જણાવ્યુ કે 2024માં વારાણસીથી તેઓ પીએમ મોદીને પડકાર આપશે. સ્મૃતિ ઈરાનીએ પણ કોંગ્રેસ નેતા પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, ‘રાહુલ ગાંધી અમેઠીથી જ લડવાના છે ને, ડરીને બીજી કોઈ સીટ પર તો ભાગી નહીં જાય ને.’
દેશનાં ઉત્તર પ્રદેશની રાજનીતિમાં અમેઠી સીટને લઈને સૌથી વધારે ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસ નેતા અજય રાયના નિવેદન પછી એક વખત ફરી મુકાબલો સ્મૃતિ ઈરાની vs રાહુલ ગાંધીનો થતો દેખાઈ રહ્યો છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને લઈને કોંગ્રેસ નેતાના નિવેદન પર બીજેપીએ વળતો પ્રહાર કર્યો છે. ભાજપે સવાલ કરતા કહ્યું કે, શું પ્રિયંકા ગાંધી નેતા પર એક્શન લેશે? તેવી અટકળો પણ ચાલી રહી છે.
સ્મૃતિ ઈરાનીએ રાહુલને પડકાર ફેક્યો છે
સ્મૃતિ ઈરાનીએ ટ્વીટમાં લખ્યું છે કે, સાંભળ્યું છે કે રાહુલ ગાંધીજી તમે તમારા પ્રાંતીય નેતા સાથે 2024માં અમેઠીથી લડવાની જાહેરાત કરાઈ છે. તો શું તમારું અમેઠીથી લડવાનું પાક્કું સમજુ ને? બીજી સીટ પર તો નહીં ભાગોને? ડરી તો નહીં જાવને? સાથેજ ટ્વીટમાં સ્મૃતિએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર વ્યંગ કરતા કહ્યું કે અજય રાયને હવે કોઈ નવા સ્ક્રિપ્ટ રાઈટરની જરૂર છે.
ભાજપે વળતો પ્રહાર કરી કોંગ્રેસ નેતાને ઘેર્યા
ભાજપ પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ કહ્યું કે, કોંગ્રેસ રાહુલ ગાંધીની અમેઠીમાં શરમજનક હારને પચાવી શકતી નથી. આથી અપમાનજનક ટિપ્પણી કરવાના પ્રયત્નો કરી રહી છે. આથી કોંગ્રેસ પાર્ટી આજે યુપીમાં એક સાંસદ અને બે ધારાસભ્યની પાર્ટી રહી ગઈ છે. આવી ખરાબ ભાષા રાખશે તો આવનારા દિવસોમાં વધુ ખરાબ દશા થશે. તે સાથે
બીજી તરફ ઉત્તર પ્રદેશના ભાજપ પ્રવક્તા આનંદ દુબેએ લખનઉમાં કહ્યું કે, જે પાર્ટીએ દેશને મહિલા પ્રધાનમંત્રી આપ્યા, તેના નેતાની આવી ટિપ્પણી શરમજનક છે. તેમણે આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ નેતા તરફથી વપરાતી ભાષા મહિલા વિરોધી છે. ભાજપ નેતાએ કહ્યું કે, ‘છોકરી છું લડી શકું છું’નો નારો આપનાર પ્રિયંકા ગાંધીને સવાલ છે કે, શું તેઓ કોંગ્રેસ નેતા પર કાર્યવાહી કરશે. કે કેમ ?
નોંધવુ રહ્યું કે 2019માં અમેઠી સીટની વાત કરીએ તો 2019ની લોકસભાની ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીએ મોટો અપસેટ સર્જ્યો હતો. તેમણે રાહુલ ગાંધીને હરાવ્યા હતા. તે ચૂંટણીમાં રાહુલ ગાંધી 55 હજારથી વધુ મતોથી હાર્યા હતા. આથી સવાલ ઊભો થઈ રહ્યો છે કે, રાહુલ 2024ની ચૂંટણીમાં અમેઠીથી લડશે કે નહીં…અજય રાયનું નિવેદન આ વાતનો સંકેત આપી રહ્યું છે પરંતુ કોંગ્રેસ હાઈકમાન્ડ તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.