- ભક્તોએ શ્રીજીના દર્શન કરી ધન્યતા અનુભવી
આજે મંગળવાર અને ચોથના સુભગ સમન્વયે અંગારકી ચોથની ભરૂચના વિવિધ ગણેશ મંદિરોમાં ઉજવણી કરવામાં આવી હતી. અંગારકી ચોથ નિમિત્તે ગણેશ યાગ યોજવામાં આવ્યા હતા જેનો શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો.

વિક્રમ સંવત 2079ની આ અંતિમ અંગારકી ચોથ છે. આજે મંગળવાર અને ચોથનો સુભગ સમન્વય ઉપરાંત પિતૃ પક્ષની ચોથના કારણે તેનું માહાત્મ્ય બેવડાઈ ગયું છે. આજરોજ અંગારકી ચોથ નિમિત્તે ભરૂચના વિવિધ ગણેશ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના મકતમપુર સ્થિત પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈ ખાતે બિરાજમાન સિદ્ધિ વિનાયકના આબેહૂબ સ્વરૂપ એવા ભરૂચના સિદ્ધિ વિનાયક દાદાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

અંકલેશ્વર ખાતે આવેલ સુપ્રસિદ્ધ અને તુરત જ ફળ આપનાર ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે પણ આજે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતનું સૌપ્રથમ ક્ષિપ્રા મુદ્રા વાળા ગણેશજીના મંદિર ખાતે ભક્તોએ આસ્થા ભેર શીશ ઝુકાવ્યું હતું. અને આજે વિશેષ પ્રાર્થના કરી આશીર્વાદ મેળવ્યા હતા. ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો.