Published by : Rana Kajal
અદાણી એન્ટરપ્રાઇઝીસના શેરમાં આજે સવારે 35%નો ઘટાડો નોંધાયો છે. એક શેરની કિંમત 1000 રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. રિપોર્ટ આવતાં પહેલાં શેરનો ભાવ 3500 રૂપિયાની નજીક હતો. આ પ્રકારે કંપનીના શેર 9 દિવસમાં 70% ઘટી ગયા છે. અમેરિકાના સ્ટોક એક્સચેન્જ ડાઉ જોન્સે પણ અદાણી એન્ટરપ્રાઇઝીસને સસ્ટેનબિલિટી ઇન્ડેક્સથી બહાર કરી દીધી છે.
અદાણી ગ્રુપ અંગે હિંડનબર્ગના રિપોર્ટને લઈને સંસદથી લઈને શેરબજારમાં હલચલ મચી ગઈ છે. વિપક્ષ અદાણી ગ્રુપ પર લાગેલા આરોપો પર તપાસની માગ કરી રહ્યા છે. સંસદમાં શુક્રવારે એટલે આજે પણ હોબાળો થયો. લોકસભા 2 વાગ્યા અને રાજ્યસભા 2.30 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. વિપક્ષ જોઈન્ટ પાર્લમેન્ટ કમિટી((JPC)) અથવા સુરક્ષિત કોર્ટના નેતૃત્વમાં કમિટી બનાવવાની માગ કરી રહ્યો છે.આ દરમિયાન બાંગ્લાદેશ સરકારે અદાણી ગ્રુપ સાથે એનર્જી સેક્ટરમાં ડીલમાં સંશોધનની માગ કરી છે. બાંગ્લાદેશ સરકારના જણાવ્યા પ્રમાણે, વીજળીની કિંમત વધારે છે, એને ઘટાડવી જોઈએ. બીજી બાજુ, કોંગ્રેસે 6 ફેબ્રુઆરીએ દેશવ્યાપી પ્રદર્શન કરવાનું એલાન કર્યું છે.