Published by : Vanshika Gor
ગુજકેટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આજે કસોટી સમાન દિવસ છે. ગુજકેટ 2023ની ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ગૃપ એ. ગૃપ બે. અને ગૃપ એ.બી.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે. રાજ્યભરમાં ગુજરાત બોર્ડના 1,15,135, CBSE ના 13,570 વિદ્યાર્થીઓ સહિત દેશભરના જુદા જુદા બોર્ડમાં અભ્યાસકર્તા કુલ 1 લાખ 30 હજાર 516 વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે.
રાજ્યની ડીગ્રી એન્જીનીયરીંગ, ડીગ્રી/ ડિપ્લોમા ફાર્મસી કોલેજના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા લેવાય છે. રાજ્યભરના 34 કેન્દ્રો પર 626 બિલ્ડિંગમાં 6,598 બ્લોકમાં ગુજકેટની પરીક્ષા લેવાશે. સવારે 10 થી બપોરે 4 વાગ્યા સુધી ગુજકેટની પરીક્ષા લેવાશે. ભૌતિકવિજ્ઞાન, રસાયનવિજ્ઞાન, જીવવિજ્ઞાન અને ગણિત વિષયોની પરીક્ષા લેવાશે.
સવારે 10 થી 12 દરમિયાન 120 મિનિટની ભૌતિક અને રસાયનવિજ્ઞાનની પરીક્ષા રહેશે, જેમાં 40 – 40 માર્કના પેપરમાં 40 – 40 પ્રશ્નો પુછાશે. બપોરે 1 થી 2 વાગ્યા દરમિયાન જીવવિજ્ઞાનની પરીક્ષા 60 મિનિટની રહેશે, 40 પ્રશ્નો પુછાશે, 40 માર્કની પરીક્ષા હશે. બપોરે 3 થી 4 વાગ્યા દરમિયાન ગણિતની પરીક્ષામાં પણ 40 પ્રશ્નો રહેશે, 40 માર્કનું પેપર 60 મિનિટનું રહેશે. MCQ બેઝડ પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં રહેશે.