Published By : Parul Patel
શ્રેષ્ઠ શિક્ષક અને સહકારી નેતા તેમજ દૂધધારા ડેરીના પુર્વ ચેરમેન ઠાકોરભાઈ અમીનનું જૈફ વયે અમેરિકા ખાતે નિધન થતાં જિલ્લામાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ભરૂચ અને નર્મદા જિલ્લાનુ કાર્યક્ષેત્ર ધરાવતી દૂધધારા ડેરીના પુર્વ ચેરમેન અને અન્ય સહકારી સંસ્થાઓ, શૈક્ષણિક, ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓમાં પોતાનું આગવુ યોગદાન આપનાર અગ્રણી ઠાકોરભાઈ અમીનનું અમેરિકાના કેલિફોર્નિયા ખાતે હૃદય રોગના હુમલામાં નિધન થયુ હતું.
જંબુસર તાલુકાનાં નોંધણા ગામના વતની ઠાકોરભાઈ છોટાભાઈ અમીનનું ૯૫ વર્ષની વયે હૃદય રોગનાં હુમલામાં અમેરિકા ખાતે નિધન થયું. નિધનનાં સમાચાર પ્રાપ્ત થતા જ સમગ્ર ભરૂચ જિલ્લામાં શોકની લાગણી જન્મી હતી. તેમણે તેમના જીવનકાળ દરમિયાન અનેક સેવાભાવી સંસ્થાઓમાં પોતાનું યોગદાન આપ્યું છે. નોંધણા ગામમાં પુસ્તકાલયની સ્થાપના તેમજ માધ્યમિક શાળાના આદ્ય સ્થાપક પદે તેમ જ દસ વર્ષ સુધી ગામના સરપંચ પદે તેમજ તાલુકા પંચાયતનાં સભ્ય અને જિલ્લા પંચાયતનાં સભ્ય પદે સાથે લેન્ડ મોર્ગેજ બેંકના ચેરમેન પદે અને જનતા કેળવણી મંડળ જંબુસરમાં દીર્ઘકાલીન સમય સુધી મંત્રી પદે તેઓએ સેવા બજાવી હતી.
આ ઉપરાંત ભરૂચ અને નર્મદા જિલ્લાની સહકારી સંસ્થા એવી દૂધધારા ડેરીમાં સતત ૨૮ વર્ષ સુધી ચેરમેન પદે તેઓ રહ્યા હતા. અત્રે નોંધવું રહ્યું કે ઠાકોરભાઈ અમીને રાજ્ય સ્તર અને રાષ્ટ્રીય સ્તરની સહકારી સંસ્થાઓમાં પણ પોતાનું યોગદાન આપ્યું હતું. તેમનાં અવસાનના પગલે જિલ્લામા શોકની લાગણી ફેલાઇ ગઇ છે.