- ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 160 થી વધુ પ્રતિમાઓનું સાંજ સુધી ચાલ્યું વિસર્જન
- આમોદમાં અબીલ ગુલાલ પર નિષેધ
- જંબુસરમાં નાગેશ્વર તળાવ અને આમોદમાં મોટા તળાવમાં હાથ ધરાયેલી વિસર્જન પ્રક્રિયા
આમોદ અને જંબુસરમાં ગણેશ મહોત્સવના આજે મંગળવારે સાતમા દિવસે ગણપતિની પ્રતિમાઓનું શ્રદ્ધાભેર ધામધૂમથી વિસર્જન કરાયું છે.બંને નગરોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 160 થી વધારે મૂર્તિઓની સવારી નીકળતાં ભારે આકર્ષણ જામ્યું હતું. શ્રધ્ધાળુઓએ આવતા વર્ષે પુન: પધારવાના ઇજન સાથે ગણપતિ બાપ્પાને વિદાય આપી હતી.જિલ્લાના આમોદ અને જંબુસરમાં સાતમા દિવસે ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવાની પરંપરા ચાલી આવે છે. આમોદ અને જંબુસર નગરના વિવિધ વિસ્તારોમાં સ્થાપના કરવામાં આવેલી ગણેશજીની પ્રતિમાઓનું પરંપરાગત રૂટ પરથી વિસર્જન પ્રક્રિયા હાથ ધરાઈ હતી.ઢોલ-નગારા અને ડીજેના તાલ સાથે નીકળેલી સવારીઓ ઉપલીવાટ, સોની ચકલા, મેઇન બજાર, કાવા ભાગોળ થઇને નાગેશ્વર તળાવે પહોંચી હતી.
ગણેશ વિસર્જનના સ્થળોએ તરવૈયાઓને તૈનાત કરાયાં હતાં. જ્યારે આમોદમાં મોટા તળાવ ખાતે 32 જેટલી મૂર્તિઓ વિસર્જિત કરવામાં આવી હતી. સંવેદનશીલ બન્ને નગરોને લઈ 550 પોલીસ કર્મીઓનો કાફલો ખડકી દેવાયો હતો.