- વિધાનસભાની ચુંટણીને લઇ રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના ઓબ્ઝર્વર અશોક ગહેલોત વડોદરામાં…
ગુજરાત વિધાનસભાની ચુંટણી જાહેર થઈ ગઈ છે. ત્યારે રાજકીય નેતાઓ પ્રચાર અર્થે ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે. તો આજે રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના ઓબ્ઝર્વર અશોક ગહેલોત વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા ,ગુજરાત કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલ, વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને અકોટા વિધાનસભાના ઉમેદવાર ઋત્વિજ જોશી વડોદરા મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા અને વિધાનસભાના ઉમેદવાર અમીબેન રાવતે તેઓનું સ્વાગત કર્યું હતુ. અશોક ગેહલોતે નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસની રેલી ખૂબ સરસ રહી છે. આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા બાદમાં હવા નીકળી ગઈ. પ્રચારના માધ્યમથી આપ રાજનીતિ કરી રહી છે. અરવિંદ કેજરીવાલના પ્રચારનો દમ ઓછો થઈ રહ્યો છે. મોરબીની ઘટનાએ સરકારની પોલ ખોલી દીધી છે.મોરબીની ઘટનાની હાઇકોર્ટ ના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કમિટી બનાવી તપાસ થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે EWS અનામત યથાવત રાખ્યું તેને કોંગ્રેસ પાર્ટીનું સમર્થન છે.
અશોક ગેહલોતે ભાજપ પાર્ટી પર પ્રહારો કર્યા હતા કહ્યું હતું કે ગુજરાત ગુજરાતીઓએ બનાવ્યુ છે. ગુજરાતના લોકોએ ગુજરાતનો વિકાસ કર્યો છે. આઝાદી પહેલાં પણ ગુજરાત મજબૂત હતું. 27 વર્ષના શાસન ની પોલ ખુલી રહી છે. આમ આદમી પાર્ટી ભાજપની ગર્લફ્રેન્ડ છે.
વડોદરાથી રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના ઓબ્ઝર્વર અશોક ગેહલોત આણંદ ખાતે પરિવર્તન સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત રહેવા માટે જશે અને ત્યાંથી સાંજે સાવલી ખાતે પરિવર્તન સંકલ્પ યાત્રા હેઠળ યાત્રા કરતા પહોંચી સાવલી ખાતે વિશાળ જનસભાને સંબોધન કરશે.
(ઈનપુટ : જિતેન્દ્ર રાજપૂત, વડોદરા)