- PM શાહબાઝ શરીફે કહ્યું- અમને મોટો પાઠ મળ્યો છે, PM મોદી સાથે વાત કરવા માંગીએ છીએ…
આર્થિક સંકટનો સામનો કરી રહેલું પાકિસ્તાન હવે ભારત સાથે મિત્રતાનો માર્ગ જોઈ રહ્યું છે. પાકિસ્તાનમાં હાલત એટલી ખરાબ છે કે ત્યાંના લોકોને લોટ પણ મળતો નથી. વિદેશમાંથી લોન લેવી પણ સરળ નથી. વિદેશી મુદ્રા ભંડાર પણ માત્ર 2 અઠવાડિયાના ખર્ચ માટે જ બચ્યો છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે ભારત તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો છે. શાહબાઝ શરીફે એમ પણ કહ્યું કે પાકિસ્તાને તેનો પાઠ શીખી લીધો છે. તે હવે શાંતિથી જીવવા માંગે છે. ‘અલ-અરેબિયા’ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે આજીજી કરતા કહ્યું કે હું ભારતના નેતૃત્વ અને પીએમ નરેન્દ્ર મોદીને દરેક મુદ્દાનો ઉકેલ વાતચીત દ્વારા શોધવાની અપીલ કરું છું.
શાહબાઝ શરીફે કહ્યું કે અમે ભારત સાથે ત્રણ યુદ્ધો લડ્યા છે. દર વખતે પાકિસ્તાનમાં ગરીબી, અને બેરોજગારી તેના કારણે આવી. અમે અમારો પાઠ શીખ્યા છે. પીએમ મોદીને મારો સંદેશ છે કે ચાલો બેસીને વાત કરીએ. પાકિસ્તાન બોમ્બ અને ગનપાઉડર બનાવવામાં પોતાના સંસાધનો ખર્ચવા નથી માંગતું. આ પહેલા શાહબાઝ શરીફે પોતાના દેશની ખરાબ હાલતને લઈને વધુ એક મોટું નિવેદન આપ્યું હતું. શાહબાઝ શરીફે કહ્યું હતું કે પરમાણુ શક્તિ ધરાવતો દેશ હોવા છતાં પાકિસ્તાનને ભીખ માંગવી પડે છે. જે તેમને બિલકુલ પસંદ નથી.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી પાકિસ્તાન ભારત સાથે ત્રણ યુદ્ધ લડી ચુક્યું છે. અગાઉ 1965માં તેમને અગ્નિપરીક્ષાનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ 1971માં પાકિસ્તાનના બે ટુકડા થઈ ગયા. ત્યારે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ કહ્યું હતું કે પાકિસ્તાનના લોકો પરમાણુ બોમ્બ બનાવવા માટે ઘાસ ખાઈને પણ જીવવા તૈયાર છે. હવે સ્થિતિ એવી છે કે ભુટ્ટોએ પાકિસ્તાન પર જે કહ્યું તે સાબિત થઈ રહ્યું છે. પાકિસ્તાને 1999માં કારગીલમાં ભારત સાથે ત્રીજું યુદ્ધ લડ્યું હતું. ત્યારે પાકિસ્તાની સૈનિકોએ ઘૂસણખોરી કરીને ભારતના વિસ્તારમાં કબજો જમાવી લીધો હતો. જેમને ભારતના બહાદુર સૈનિકોએ માર્યા હતા.