Published by : Rana Kajal
ભૂવાઓ જાત જાતની તરકીબ અપનાવી લોકો સાથે છેતરપિંડી કરતા હોય છે. હાલમાં ઍક ઍવો કિસ્સો બહાર આવ્યો છે જેમા ભૂવાએ ભેંસ ખરીદી હતી. પરંતુ જ્યારે ભેંસના નાણાં માંગ્યા ત્યારે ભૂવાએ જણાવ્યુ કે મેં તમારી પર વિધિ કરી છે.
ગાંધીનગરના એક ગામના પશુપાલકે વેચેલી ભેંસના પૈસાની તકરારમાં એક ભૂવાએ સમગ્ર પરિવારને અંધશ્રદ્ધામાં ફસાવી માતા મૂક્યાનો ડર બતાવીને તાંત્રિક વિધિ કરીને રૂ 62 હજાર રોકડા તેમજ સોનાનાં પગરખાં લઈને છેતરપિંડી આચરી રફુચક્કર થઈ ગયો હતો. બાદમાં ભૂવાએ પશુપાલકના ઘરે જઈને કરેલી તાંત્રિક વિધિનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેવામાં આવતાં પોલીસ મથકમાં લેખિતમાં છેતરપિંડી થયાની રજૂઆત કરવામાં આવી છે.

ગાંધીનગરના એક ગામમાં સંયુક્ત કુટુંબમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા પરિવારમાં થોડા સમય પહેલાં એક ભાઈએ તેમની ભેંસ અન્ય ગામના ભુવાને 60 હજારમાં વેચી હતી. જોકે, ભેંસના પૈસા ભૂવો આપતો ન હોવાથી ભેંસ વેચનાર ભાઈએ પૈસાની માંગણી કરી હતી. જેથી ઉશ્કેરાયેલા ભૂવાએ તમારે ત્યાંથી લઈ ગયેલી ભેંસ મરી ગઈ છે. હવે શાના પૈસા આપવાના હોય તેવો જવાબ આપ્યો હતો.બાદમાં આ ભૂવો પરિવારના ગામમાં આવીને ખરીદેલી ભેંસ મરી ગઈ હોવાનું અને તેના પૈસા માટે પરિવાર ફોન ઉપર ધાકધમકી આપતો હોવાનો આક્ષેપ કરી પરિવાર પર માતા મૂકી હોવાની વાત ગામમાં કરી હતી. આ વાત પરિવારના ધ્યાને આવતા તેમણે ભૂવાને ફોન કરીને વાતનો અંત લાવવા સમજાવતા ભૂવાએ “મારી માતા પાછી વાળવી હોય તો તમારે દંડ આપવો પડશે” અને દંડના સ્વરૂપમાં 51 હજાર રૂપિયા રોકડા તેમજ સોનાનું જૂતું આપવું પડશે, તો જ મારી માતા પાછી લઈ જઈશ તેવી વાત કરી હતી. જો તમે મારી આ શરતો નહીં માનો તો પરિવારમાં કોઈપણ એક વ્યક્તિનો જીવ જશે તેવી બીક બતાવી હતી. ભુવાની આ વાત સાંભળી પરિવાર અંધશ્રદ્ધાના નામે ખૂબ જ ડરી ગયો હતો. તેઓએ ભૂવાને ફોન ઉપર તારું જે થતું હોય તે લઈ જા અને તારી બધી શરતો અમે માનીએ છીએ પણ અમારા પરિવારને આ વિષયમાંથી મુક્ત કર તેમ કહ્યું હતું.