Published by : Vanshika Gor
ડોક્ટરના દ્વારા લખવામાં આવેલ પ્રિસ્ક્રિપ્શનને અપલોડ કરીને ઓનલાઈન દવાઓ ખરીદવાની હાલની સિસ્ટમ પર રોક લાગી શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ઈ-ફાર્મસીને લઈને કડક નિયમો બનાવવાની તૈયારી કરી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે ઈ-ફાર્મસી પર દવાઓના વેચાણને ઘટાડવા માટે એક નવા તંત્રની સ્થાપના કરવામાં આવી શકે છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે ઈ-ફાર્મસી અંગેના વર્તમાન નિયમોમાં ટૂંક સમયમાં ફેરફાર કરવામાં આવશે. હાલમાં કંપનીઓ દવા રેગ્યુલેટર સાથે નોંધણી કરીને પ્રિસ્ક્રિપ્શન સાથે કેટેગરીની ‘H’ દવાઓ અને અન્ય દવાઓને પ્રિસ્ક્રિપ્શન વિના ઓનલાઈન વેચી શકે છે. જો કે, માદક પદાર્થોના ઘટકો ધરાવતી આ દવાઓના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ છે .
ઉપરાંત કંપનીઓએ IT એક્ટના નિયમોનું પાલન કરવું પડે છે અને જાહેરાતો પર પ્રતિબંધ છે પરંતુ કંપનીઓ આ નિયમોનું ઉલ્લંઘન કરે છે. ગત મહિને ડ્રગ કંટ્રોલર દ્વારા 20 પ્રતિષ્ઠિત ઓનલાઈન ફાર્મસીઓનો નોટિસ આપવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે 12 લાખ કેમિસ્ટ દવાઓના ઓનલાઈન વેચાણનો વિરોધ કરી રહ્યા છે. અગાઉ બનેલા મંત્રીઓના જૂથે પણ દવાઓના ઓનલાઈન વેચાણ પર અસંમતિ દર્શાવી હતી.
મળતી માહિતી પ્રમાણે ઓનલાઈન દવા ફાર્માસ્યુટિકલ કંપનીઓની એ દલીલ પાયાવિહોણી છે કે ઈ-ફાર્મસીને વિદેશોમાં મંજૂરી છે. કોઈ પણ દેશમાં એવું નથી પરંતુ ‘ઈ-પ્રિસ્ક્રિપ્શન’ હોય છે, જેમાં એવી સિસ્ટમ છે કે ડૉક્ટરની સલાહ સીધી ફાર્મસીમાં જાય છે અને દર્દી ત્યાં જઈને પોતાની દવા એકત્રિત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈ-ફાર્મસી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાને બદલે કંઈક આવી જ પદ્ધતિ વિકસાવવામાં આવી શકે છે, જેમાં ઈ-ફાર્મસી અને ડૉક્ટરો એક જ પ્લેટફોર્મ પર આવી શકે.