બીજી મા સિનેમા : ઋષિ દવે
ઉંબરો સ્ત્રી ઓળંગે એટલે સમજવું કે હવે એ કમાલ કરશે, ધમાલ કરશે, એની આગળ પાછળ ઉપર નીચે આડા અવળાં આવનારા વિધ્નોને હાનિ પહોંચાડ્યા વગર વિજયી ધ્વજ ફરકાવશે.
ઉંબરો ઘરને હોય. એને ઓળંગવાની હિંમત જોઈએ. કન્યા, મહિલા બને અને ઘર માંડે ત્યારે એને સમજાય કે ઉંબરાનુ મહત્વ કેટલું છે. પ્રાચીન કાળથી ઉંબરાનુ સ્થાન ધાર્મિક પરંપરા સાથે સંકળાયેલું છે. ગૃહપ્રવેશ વખતે ઉંબરો ઓળંગી નવવધુનો પ્રવેશ, ગૃહિણી બની ઉંબરો પૂજવો, સ્વસ્તિક દોરવા વિગેરે Etcetera इत्यादी હવે રેડીમેઈડ સ્ટીકર આવી ગયા…
વાત કરવી છે અભિષેક શાહ કે જેમણે ‘હેલ્લારો’ ગુજરાતી દર્શકોને આપી અને કીર્તિમાન સ્થાપિત કર્યા હતા. એક શબ્દમાં જ ફિલ્મનું શીર્ષક આવી જાય એ માથાપચ્ચીસીનું કામ છે.
મહિલા જૂથ, ટોળકી, ગ્રુપ લંડન ફરવા જાય ખાસ એવો કોઈ મકસદ નહિ કે ત્યાં જઈને શું જોવું, શું લાવવું, કોને મળવું, કોની સાથે હિસાબ ચૂકતે કરવો? માત્ર મોજમસ્તી હરવાફરવા જવું. ભારત ભ્રમણ કરવું અને વિમાનમાં બેસીને પરદેશ જવું એ પણ એક, બે નહીં સાત મહિલાઓને લઈ જવી એ લોઢાના ચણા ચાવવા જેવું કપરું કામ એક પુરુષ કે જેનું અસલી નામ છે આર્જવ ત્રિવેદીએ પાર પાડયું છે.
ઉંબરો ઓળંગનારી સાત અભિનેત્રીઓને બા અદબ, બા હોશિયાર કહીને એમના નામ લખું છું. તેજસ પંચાસરા, સુચિતા ત્રિવેદી, તર્જની ભડલા, વિનીતા જોશી, વંદના પાઠક, કાજલ ઓઝા વૈદ્ય અને દીક્ષા જોશી.
મધ્યાંતર પછી ફિલ્મ જોતી વખતે દર્શકોને જ્યારે એમ લાગે કે હવે The end આવું જ જોઈએ અને ‘ઉંબરો’માં Directed by Abhishek Screen પર વંચાય મલ્ટિપ્લેક્ષની પુશબેક ચેરમાં ફિલ્મનો છેલ્લા હૃદયસ્પર્શી દ્રશ્યો જોતા, ડાબી કે જમણી આંખનો એક ખૂણો ભીંજવતા, કરતલધ્વનિ કરતાંને દોડીને થિયેટરની સ્ક્રીન છોડવાનું મન ન થાય એ જ ‘ઉંબરો’ની જબરજસ્ત સફળતા છે.
થેમ્સ નદીમાં અસ્થિ પધરાવવા તેજલ પંચાસરા ઇન્ડિયાથી આવે કેમકે તેના સાસુનું વિદેશમાં જઈને એજ્યુકેશન લેવું એ સ્વપ્ન હતું, જે અધૂરું રહ્યું અને મરણને શરણ થયા. એમનો અસ્થિકુંભ લઈને બીજી છ મહિલાઓ સાથે લંડનની ટૂરમાં જોડાવું. છ બોટનું એક પછી એક થેમ્સ નદીમાં દ્રશ્યાંકનમાં દરેક બોટમાં એક આત્મકથાત્મક પાત્રો સર્વે અવાજે વર્લ્ડટૂર કરીએ એવો સુર પ્રગટ કરે.
હોટલના રૂમમાં અગરબત્તી પ્રગટાવવાથી થતી ધમાચકડી, હોટલના કિચનમાં ઘૂસી જાતે જ વાનગી (ખીચડી) બનાવવાની જીદ પકડવી, લંડનના રસ્તા પર ક્લાત્મક શિલ્પ, વ્યક્તિઓ જોઈને ગરબો ગાવો, અડધી રાત્રે ગાઢ જંગલમાં ગાડી બગડે, લૂંટારા એક પછી બધાના પૈસા, ઝવેરાત લેવા માટે પિસ્તોલ બતાવી ત્યારે ધમ્મ દઈને એક પિસ્તોલ થેલામાંથી લૂંટારાના લમણે પ્રહાર કરતી જાંબાઝ મહિલા, બારમાં જઈને જ્યુસ માની વોડકા પીને ધમાચકડી મચાવી એ જ નશામાં આત્મકથાના પાના દ્રશ્યાંકન થાય છતાં ક્યાંય અતિશયોક્તિ ન લાગે. રડવું, હસવું, જીવી લેવું, કુટુંબીજનોનો સાથ મળે, ન મળે. કંઈક અનોખું કરવું, ‘Yes I can’. એ જ સંદેશ. ‘ઉંબરો’ ફિલ્મ જોઈને જીવતર સાર્થક કરો