Published by : Rana Kajal
આજે આપણે ઊંધિયું બનાવવાની રીત શીખીશું. ગુજરાતમાં ઉંધીયુ ખૂબ જ ફેમસ છે જે શિયાળો આવતા જ ગુજરાતમાં ઘરે ઘરે ખુબ જ બનતી ને ખવાતી વાનગી છે. ઊંધિયું અલગ અલગ પ્રકારનું બનતું હોય છે આજે આપણે ટ્રેડિશનલ ઊંધિયું રેસીપી શીખીશું જે વધારે પડતું ઉતરાયણ પર બનાવવામાં આવતું હોય છે જે તમે બાજરાના રોટલા, પૂરી,રોટલી વગેરે સાથે ખાઈ શકો છો.
ઊંધિયાના મુઠીયા બનાવવા માટેની સામગ્રી
•1 કપ બેસન
• 1-2 ચમચી ઘઉંનો કરકરો લોટ
• 1 કપ મેથી સુધારેલી
• 1 ચમચી આદુ,લસણ ને મરચા ની પેસ્ટ
• 1 ચમચી ખાંડ
• ¼ ચમચી હિંગ
• ½ ચમચી ગરમ મસાલો
• 1 લીંબુ નો રસ
• ચપટી બેકિંગ સોડા
• સ્વાદ મુજબ મીઠું
• ¼ કપ તેલ
• જરૂર મુજબ પાણી
• ¼ કપ લીલું લસણ
ઊંધિયાના શાક માટેની સામગ્રી
• 100 ગ્રામ બટકાના કટકા
• 100 ગ્રામ સુરણના કટકા
• 100 ગ્રામ રિંગડાના કટકા
• 100 ગ્રામ શક્કરિયાના કટકા
• 200 ગ્રામ સુરતી પાપડી/વાલોર સુધારેલ
• 1 કપ લીલી તુવેરના દાણા
• 2 કાચી કેળા છોલી ને કરેલાં કટકા
• 1 કપ લીલા ધાણા સુધારેલા
• 1/3 કપ લીલું નારિયળના કટકા
• 2-3 ચમચી સીંગદાણા
• 1 કપ લીલુંલસણ સુધારેલ
• 3-4 ચમચી આદુ મરચાની પેસ્ટ
• 2 ચમચી ગરમ મસાલો
• 2 ચમચી લાલ મરચાનો પાઉડર
• 1 ચમચી ધાણજીરૂ પાવડર
• 1/4 ચમચી હરદળ
• 2 ચમચી ખાંડ
• 3-4 ચમચી તલ
• 1 ચમચી અજમો
• 1/2 ચમચી હિંગ
• 1 લીંબુ નો રસ
• ¼ કપ લીલા ધાણા
• ½ કપ તેલ
• જરૂર મુજબ પાણી
ઊંધિયાના મુઠીયા બનાવવાની રીત
1. સૌ પ્રથમ એક વાસણમાં બેસનનો લોટ, ઘઉંનો લોટ, ઝીણી સુધારેલી મેથી, આદુ, લસણને મરચાની પેસ્ટ, ખાંડ,લીંબુનો રસ, હિંગ, ગરમ મસાલો,સ્વાદ મુજબ મીઠું અને તેલ નાખી બરોબર મિક્સ કરો.
2. બધુ બરોબર મિક્સ થઇ જાય એટલે તેમાં એક બે ચપટી સોડા અને જરૂર મુજબ એક બે ચમચી પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લો.
3. બાંધેલા લોટની નાની નાની ગોળી/ વડી અથવા લંબગોળ આકારની ગોળીઓ/વડીઓ વાળી લો.
4. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો
5. તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી બનાવેલી ગોલિયોને ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો.
6. બધીજ ગોળી/ વડી તળાઈ જાય એટલે તેને તેલમાંથી કાઢીને એક બાજુ મૂકી દો.
ઊંધિયું બનાવવાની રીત
1. એક મિક્સર જારમાં અડધો કપ લીલા ધાણા, લસણની સાત આઠ કની, લીલું નાળિયેર, તલ તેમજ સીંગદાણા નાખો અને જરૂર મુજબ થોડું પાણી નાખી પેસ્ટ તૈયાર કરી લો. તૈયાર પેસ્ટ એક બાજુ મુકો.
2. ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો.
3. તેલ ગરમ થાય એટલે તેમાં બટાકાના કટકા અને શક્કરિયાના કટકાને મીડીયમ તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લો. બટાકાની શક્કરિયા તળાઈ જાય એટલે તેને તેલમાંથી કાઢીને એક વાસણમાં મુકો.
4. ત્યારબાદ તેલમાં રીંગણાના કટકા નાખી. રીંગણાના કટકાની ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો. રીંગડા તળાઈ જાય એટલે તેને વાસણમાં કાઢી લો.
5. ત્યારબાદ તેલમાં કાચા કેળાના કટકાને ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લેવા અને તરેલા કેળાને એક વાસણમાં કાઢી લેવા
6. ત્યારબાદ તેલમાં સૂરણના કટકાને પણ તેલમાં ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો અને વાસણમાં કાઢી લો.
7.બધી સામગ્રી તળાઈ જાય એટલે તેલ વાળી કડાઈમાં અડધા કપ જેટલું તેલ રહે એટલું રહેવા દઈ બાકીનું તેલ અલગ વાસણમાં કાઢી લો
8. ગેસપર ફરીથી કડાઈ મૂકી તેલને ગરમ કરો, તેલ ગરમ થાય એટલે તેમાં અજમો અને હિંગ નાખો, ત્યારબાદ તેમાં સૂકા લાલ મરચાં અને તમાલપત્રના પાન નાખો
9. ત્યારબાદ તેમાં સુરતી પાપડી અથવા વાલોરના કટકા અને લીલી તુવેરના દાણા નાખી બરોબર મિક્સ કરી ઢાંકણ ઢાંકી બેથી ત્રણ મિનિટ ચઢાવો.
10. બે-ત્રણ મિનિટ ચડાવ્યા બાદ તેમાં આદુ મરચાની પેસ્ટ, લીલુ સુધારેલું લસણ અને મિક્સરમાં તૈયાર કરેલી પેસ્ટને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો
11.બધુ બરોબર મિક્સ થાય એટલે ફરી ઢાંકણ ઢાંકી 4-5 મિનિટ ચડાવો, બધા મસાલા બરાબર ચડી જાય એટલે તેમાં લાલ મરચાનો ભૂકો,ધાણા-જીરુ નો ભૂકો, તલ,ગરમ મસાલો ને હળદર નાખી એ બરોબર મિક્સ કરો
12. ત્યારબાદ તેમાં તરીને રાખેલ બટાકા, સૂરણ, રિંગણ, કેળા નાખી મિક્સ કરો, ત્યારબાદ તેમાં તરેલી ગોલી/ વડી નાખી મિક્સ કરો
13. હવે થોડી ગ્રેવી કરવા જરૂર મુજબ 1-2 કપ જેટલું પાણી નાખો. જો જરૂર લાગે તો મીઠું નાખી. બરોબર મિક્સ કરો, હવે ઢાંકણ ઢાંકી 5-7 મિનિટ બધી સામગ્રીને ચડાવો
14. બધા શાક બરોબર મિક્સ થઈ ચડી જાય ત્યાર બાદ છેલ્લે તેમાં ખાંડ અને લીંબુનો રસ નાખી અને બરોબર મિક્સ કરો.
15. છેલ્લે તેમાં લીલા ધાણા નાખો. તૈયાર છે ગરમાગરમ ઊંધિયું…