- આગમાં ૬૪ લોકો દાઝી ગયા…૪૩ની હાલત ગંભીર..
- સીએમ યોગીએ ઘટના અંગેની માહિતી મેળવી..
- તપાસ માટે SITની રચના કરાઈ, ૪ દિવસમાં આ અંગેનો જવાબ આપશે
ઉત્તરપ્રદેશના ભદોહીમાં દુર્ગા પંડાલમાં ભીષણ આગ ફાટી નીકળતા ૫ લોકોના મોત નીપજ્યા હતા. તો ૬૪ લોકો દાઝી જતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ઉત્તરપ્રદેશના ભદોહીમાં ઔરાઈ વિસ્તારના નરથુઆમાં રવિવારની સાંજે એક દુર્ગા પંડાલમાં એકાએક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. લોકોની ભારે ભીડને પગલે લોકો બહાર આવે તે પહેલા જ આગની ચપેટમાં આવી ગયા હતા. આસપાસના લોકોએ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી. જો કે આગ લાગ્યાને પ્રથમ ૨૦ મિનિટ બાદ ફાયર ફાયટરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ કારણોસર બચાવની પ્રથમ ૨૦ મિનિટ સુધી પાણી રેડી શકાયું ન હતું. ૨ કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં ૫ લોકોના મોત નીપજ્યા હતા. ૬૪ લોકો દાઝી જતા ૧૦૮ની મદદ વડે વારાણસીના BHUમાં રિફર કરાયા હતા. જેમાંથી ૪૩ની હાલત ગંભીર છે. મૃત્યુઆંક વધવાની શક્યતા છે. દુર્ઘટના સમયે પંડાલમાં લગભગ ૧૫૦ લોકો હાજર હતા.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-03-at-12.31.07-PM.jpeg)
પોલીસના જણાવ્યા પ્રમાણે આરતી થઇ રહી હતી તે સમયે આ આગ લાગી હતી. આગને પગલે હોબાળો મચી જવા પામ્યો હતો. આસપાસના લોકોએ આગની ચપેટમાં આવેલાઓને જેમતેમ કરીને બહાર કાઢ્યા હતા. દુર્ગા પૂજા માટે મંજૂરી લેવામાં આવી હતી. શોર્ટસર્કિટને પગલે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે ઘટના અંગેની માહિતી મેળવી હતી. ઘટનાની તપાસ માટે 4 સભ્યોની SITની રચના કરવામાં આવી છે. આ ટીમ 4 દિવસમાં પોતાનો રિપોર્ટ સોંપશે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/10/13_1664779914.jpg)