Published by : Rana Kajal
જોશીમઠની હાલત દિન પ્રતિદિન વધૂને વધૂ કફોડી બની રહી છે. તંત્ર દ્વારા આફતગ્રસ્ત કુટુંબોને રહેવા માટે પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી નથી. તેથી લોકો ખુબજ દયાજનક પરિસ્થિતીમાં હાલ વસવાટ કરી રહ્યા છે.
ઉત્તરાખંડના જોશીમઠમાં વધુ 23 ઘરમાં તિરાડો પડી છે. મંગળવાર સુધી સરવે ટીમે 849 તિરાડો ધરાવતા ઘર પર ક્રોસ માર્ક કર્યા છે. તેમાંથી 155 ખાનગી અને દસ વેપારી મકાન સંપૂર્ણપણે અસુરક્ષિત જાહેર કરાયા છે. આ કારણસર અત્યાર સુધી તેમાં રહેતા 237 પરિવારને સુરક્ષિત સ્થળે ખસેડી દેવાયા છે. વિસ્થાપિત પરિવારોમાંથી 58 ભાડાના મકાનોમાં રહેવા જતા રહ્યા છે. બાકીના લોકોની વ્યવસ્થા સરકારે કરી છે.
જૉકે વિસ્થાપિત પરિવારોને તંત્રએ હોટલોમાં આશરો આપ્યો છે, પરંતુ મુશ્કેલી એ છે કે એક રૂમમાં ત્રણ-ત્રણ પરિવારને રખાયા છે. તેથી તેમને સૂવાની પણ યોગ્ય જગ્યા મળતી નથી. સૌથી વધુ મુશ્કેલી એ મહિલાઓને છે, જેમનાં બાળક છ મહિનાની વય ધરાવે છે. જોકે, રાહતની વાત એ છે કે ખાવા-પીવાની કોઈ મુશ્કેલી નથી. તમામ શિબિરો અને હોટલોમાં તંત્રએ ભોજનની સંપૂર્ણ વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત જોશીમઠનાં બજારોમાં પણ કોઇ ચીજવસ્તુની અછત નથી.
બીજી તરફ, તંત્રએ મંગળવારે નક્કી કર્યું છે કે, જોશીમઠમાં સૌથી નીચેના હિસ્સામાં વસેલી જે.પી. કોલોનીમાં ભવિષ્યના જોખમને જોતા અસરુક્ષિત ઘરોને તોડી પડાશે. અહીં કેટલાંક ઘરોમાં તિરાડોમાંથી પાણી પડવાનું પ્રમાણ ઘટ્યું છે. જોશીમઠમાં પહેલાં 540 લિટર પ્રતિ મિનિટ પાણી પડતું હતું, જે મંગળવારે 163 લિટર પ્રતિ મિનિટ થઇ ગયું છે.
તે સાથે પહેલી ફેબ્રુઆરીએ જોશીમઠની તમામ દસ સ્કૂલમાં શિયાળુ વેકેશન પૂરું થઇ જશે. સ્કૂલ જતાં બાળકો અને તેમનાં વાલીઓને ચિંતા એ છે કે,તંત્રએ આશરો આપ્યો છે ત્યાંથી સ્કૂલ દૂર છે. આ ઉપરાંત એક રૂમમાં 16 લોકો રહે છે. આ સ્થિતિમાં બાળકોને પરીક્ષાની તૈયારીમાં મુશ્કેલી પડી રહી છે.