Published by : Rana Kajal
સુરત જિલ્લાના વાંકાનેડા ગામમાં એક કિશોરનું ધાબા પરથી નીચે પટકાતા મોત થયાની ઘટના સામે આવી છે. ઉત્તરાયણનો પર્વ નજીક છે ત્યારે આ ઘટનાએ લોકોમાં ભયનો માહોલ ફેલાવી દીધો છે. ખાસ કરીને માતા-પિતા માટે ચોંકાવનારી ઘટના સામે આવી છે. કારણકે બાળક જ્યારે ધાબા ઉપર પતંગ ઉડાવવા જતો હોય છે ત્યારે માતા-પિતા રોજ તેની સાથે તેનું ધ્યાન રાખવા ધાબા પર જઇ શકતા નથી. ત્યારે બાળકે કરેલી નાની અમથી ભુલ માતા-પિતા પર પણ ભારે પડી જાય છે અને માતા-પિતાએ બાળકને ખોવાનો વારો આવે છે.
ત્યારે સુરતમાં 5માં માળેથી એક કિશોર નીચે પટકાતા તેનું મોત થયુ છે. પલસાણાના વાંકાનેડા ગામે આવેલા શિવ શક્તિ કોમ્પ્લેક્સના ફ્લેટમાં આ ઘટના બની છે. આ કિશોર પતંગ ઉડાવવા માટે એક ધાબેથી બીજા ધાબા પર જતો હતો, તે દરમિયાન તે ધાબા પરથી નીચે પટકાયો હતો. ત્યારે પોલીસે સમગ્ર ઘટના મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.