Published by : Vanshika Gor
- અંબાણી બાદ હવે અદાણી બન્યા હીરાબજારના વેવાઈ ઉદ્યોગ જગતના આગેવાનોનો સંબંધ હીરા બજાર સાથે બંધાઈ રહયો છે.
જેમકે તાજેતરમા અમદાવાદમાં ખુબ મર્યાદિત લોકોની હાજરીમાં જીત ગૌતમ અદાણીએ હીરાબજારના વેપારી જયમીન દિનેશભાઈ શાહની સુપુત્રી દીવા સાથે સગાઈ કરી હતી. અત્રે નોંધવું રહ્યું કે દીવા શાહ હીરાબજારની જાણીતી કંપની સી. દિનેશ ઍન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડના દિનેશભાઈની પૌત્રી અને જયમીનભાઈની દીકરી છે. હીરાબજારમાં સી. દિનેશ કંપની બહુ જાણીતું નામ છે, જ્યારે જીત અદાણી ગ્રુપ સાથે જ જોડાયેલા છે.
યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનિયાની સ્કૂલ ઑફ એન્જિનિયરિંગ ઍન્ડ અપ્લાયડ સાઇન્સિસનું ભણ્યા બાદ 2019માં તેમણે ગ્રુપ જૉઇન કર્યું હતું. હાલમાં તેઓ અદાણી ગ્રુપમાં વાઇસ પ્રેસિડન્ટ, ગ્રુપ ફાઇનૅન્સની જવાબદારી સંભાળે છે. માત્ર પરિવારજનોની હાજરીમાં સગાઈની વિધિ સંપન્ન થઈ હતી. જીતના મોટા ભાઈ કરણ અદાણીએ 2013માં વકીલ સિરિલ શ્રોફની પુત્રી પરિધિ સાથે લગ્ન કર્યાં હતાં. યોગાનુયોગ એ છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીએ પણ હીરાબજારની જાણીતી કંપની રોઝી બ્લુના રસેલ મહેતાની દીકરી શ્લોકા મહેતા સાથે લવમૅરેજ કર્યાં હતાં. જીત અને દીવા પણ એકબીજાને ભણતાં હતાં ત્યારે મળ્યાં હતાં અને ત્યાં જ તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો હોવાનું કહેવાય છે.