ઉનાળામાં શરીરને તાજગીથી ભરશે અને આ શરબત ઘરે પણ સરળતા થી બનાવી શકાશે. રાજ્યમાં આગ ઝરતી ગરમીની શરૂઆત થઈ છે ત્યારે લોકો ઠંડક મેળવવાના અનેક ઉપાયો અજમાવતા રહે છે. આ માટે તમે બહારના પીણાંને બદલે ઘરે જ ખાસ શરબત બનાવી શકો છો. જે તમને ઠંડક આપે છે અને મહેમાનોના સ્વાગત માટે પણ સારું સાબિત થાય છે. ઘરે પાન-ગુલકંદ શરબત બનાવી શકો છો. સરળતાથી બની જતું આ શરબત તમને ગરમીમાં ઠંડક આપે છે. તેનાથી તમે એનર્જિટિક રહી શકો છો. પાન પહેલાના સમયથી ઉપયોગમાં લેવાય છે. તેના સેવનથી પાચનતંત્ર સારું રહે છે અને તમે ડાયાબિટિસને પણ કંટ્રોલમાં કરી શકો છો. તો જાણો કઈ રીતે સરળતાથી આ શરબત ઘરે બનાવશો.
સામગ્રી
10 પાનના પાન
4 ટેબલ સ્પૂન ગુલકંદ
4 કપ ઠંડું દૂધ
7-8 બદામ
7-8 પિસ્તા
2 ટેબલ સ્પૂન મધ
1/2 કપ આઈસક્યૂબ
બનાવવાની રીત
પાન-ગુલકંદ શરબત બનાવવા માટે સૌથી પહેલા પાન લો. તેને થોડીવાર પાણીમાં રાખો અને સારી રીતે ધોઈ લો. આ પછી પાનના ડંડીઓ કાઢી લો અને તેના ટુકડા કરો. પાનને મિક્સરમાં નાંખો અને પેસ્ટ બનાવો. તેમાં તમે 1-2 સ્પૂન પાણી ઉમેરીને પીસી લો. તૈયાર પેસ્ટને એક બાઉલમાં કાઢો. આ પછી ડ્રાયફ્રૂટ્સને સારી રીતે પીસી લો. હવે પેસ્ટની સાથે દૂધને મિક્સ કરો અને તેમાં ડ્રાયફ્રૂટ્સની પેસ્ટ, મધ અને ગુલકંદને પણ મિક્સ કરો. થોડી વાર માટે તેને ફ્રિઝમાં રહેવા દો. તાજગીથી ભરપૂર ચિલ્ડ પાન-ગુલકંદ શરબત બનીને તૈયાર થઈ જશે. તમે આ શરબતને સર્વિંગ ગ્લાસમાં ભરો અને આઈસ ક્યૂબ ઉમેરીને સર્વ કરો.