Published by : Anu Shukla
- ઉમલ્લા-પાણેથા રૂટ ઉપર રીક્ષા ચલાવવા મહિને 500 ના હપ્તાની કરી હતી માંગ
- રીક્ષા ચાલકે એસીબીમાં ફરિયાદ કરતા છટકું ગોઠવી રંગેહાથ ઝડપી લેવાયો
ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથકનો TRB જવાન રિક્ષાવાળા પાસેથી રૂપિયા 500 ની લાંચ લેતા ચાની લારી પરથી રંગેહાથ ACBના છટકામાં ઝડપાઇ ગયો છે.
ઝઘડિયાના ઉમદરા ગામે દેહોત ફળિયામાં રહેતો જયદિપસિંહ સરદારસિંહ રણા ઉમલ્લા પોલીસ મથકમાં ટ્રાફિક બ્રિગેડ TRB જવાન તરીકે ફરજ બજાવે છે. ઉમલ્લામાં ટ્રાફિક બ્રિગેડ તરીકે ફરજ બજાવતા આ જવાને રીક્ષા ચાલક પાસે હપ્તાની માંગણી કરી હતી.
રીક્ષા ચાલક ફરીયાદી પોતાની મહિન્દ્રા આલ્ફા ડીલક્ષ રીક્ષા ઉમલ્લાથી પાણેથા રૂટ ઉપર પેસેન્જર વાહન તરીકે ફેરવે છે. ફરીયાદીને ઉમલ્લા રૂટમાં વાહન ચલાવવા દેવા તેમજ હેરાન ન કરવા માટે માસીક હપ્તા પેટે ₹500/ની લાંચની માંગણી કરતા ફરીયાદીએ ભરૂચ ACB પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
ACB એ ફરિયાદના આઘારે લાંચના છટકાનું આયોજન કરતા ઉમલ્લા TRB જવાન જયદીપસિંહ રણા ઉમલ્લા ચોકડી નજીક ચાની કેબિન પાસે 500 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ પકડાઈ ગયો હતો.
ભરૂચ ACB ઇન્સ્પેકટર એસ.વી. વસાવાએ વડોદરા મદદનીશ નિયામક પી.એચ. ભેંસાણીયાના સુપરવિઝનમાં ટ્રેપિંગ કરી આરોપીને ડીટેઇન કરી આગળની તપાસ હાથ ધરી છે.