જંબુસરના સારોદ ગામની દીકરી રિદ્ધિ સિંધા ન્યૂયોર્કમાં ફેશન મર્કેનટાઇઝિંગમા ટોપર બની
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામની દીકરી રિદ્ધિ સિંધાએ ન્યૂયોર્કની બરકેલી કોલેજમાં ફેશન મર્કેનટાઇઝિંગમાં ટોપર રેન્કમાં આવી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધારી એકવીસમી સદી દીકરીઓની સદી હોવાની ઉક્તિને સાર્થક કરી છે.
રિદ્ધિ સિંધા ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય સંજયસિંહ સિંધાની પુત્રી છે. ભણવામાં અગ્રેસર એવી રિદ્ધિ સિંધાએ વડોદરામાં ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો છે. ફેશન ડિઝાઇનિંગ અને માર્કેટિંગમાં વધુ અભ્યાસ અર્થે અમેરિકાના ન્યૂયોર્કની બરકેલી કોલેજમાં ફેશન માર્કેનટાઇઝિંગમાં પ્રવેશ મેળવ્યો હતો. જેમાં રિદ્ધિએ કોલેજમાં ટોપર રેન્ક મેળવી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. રિદ્ધિએ વિદેશની ધરતી પર પણ સિદ્ધિ મેળવી એકવીસમી સદી દીકરીઓની સદી હોવાની ઉક્તિને સાર્થક કરી છે.
