Published by : Anu Shukla
- 90 વર્ષથી નથી ચાની દુકાન કે પાનનો ગલ્લો, ગામ લોકોએ કહ્યું-આ પ્રથા ચાલુ જ રહેશે
રાજયના ઘણા ગામોમા હજી પણ રોજ વડીલો ભેગા થાય છે અને ગામના પ્રશ્નો અને સમસ્યાઓની ચર્ચા કરતા હોય છે આવી ચર્ચાએ રાજયના બે ગામોને અનોખા બનાવી દીધા આ ગામોમા નથી ચાની કીટલી કે નથી પાન માવાના ગલ્લા…
અમદાવાદથી 30થી 35 કિલોમીટર દૂર ખેડા તાલુકામાં નાયકા અને નવા ગામ નામના બે ગામ ખૂબ અનોખા છે. આ ગામો પાસેથી વર્ષો પહેલાં મહાત્મા ગાંધીએ દાંડી યાત્રા કાઢી હતી. જેથી નવા ગામને દાંડીપથ નામ આપવામાં આવ્યું છે. જ્યાં આજે પણ દાંડી કૂચ યાત્રા કાઢતાં પદયાત્રીઓ કે યાત્રિકોને રાતવાસો કરવા માટેની કેન્દ્ર સરકાર દ્વારા નવા ગામમાં જ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. નવાગામ અને નાયરામાં બનેલી એક ખૂબ નોધપાત્ર ઘટના બની હતી જેના કારણે બન્ને ગામમાં 90 વર્ષથી ચાની કિટલી કે પાનનો એક ગલ્લો પણ નથી.આ ધટના શું હતી તેની વિગત જોતા નાયકા અને નવા ગામમાં ઘઉં અને ડાંગરનો પાક થતો હોવાથી વર્ષો પહેલાં જહોજલાલી હતી. પરંતુ દુઃખ એ વાતનું હતું કે, રાત પડે અને લણેલો પાક રહસ્યમયી રીતે ગુમ થઇ જતો હતો. તે ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો હતો. સૌ ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા.લોકો પોત પોતાની રીતે તપાસ કરી રહ્યા હતા. તેવામાં તપાસ કરતાં ખબર પડી કે રાત્રે ખેડૂતોના સંતાનો જ ડાંગરનો પાકમાંથી અમૂક હિસ્સો લઇ જઇને બારોબાર વેચી નાંખતા જણાયા હતા. આ વાતની જાણ થતાં જ આ ગામના ખેડૂતોમાં ચકચાર મચી જવા પામ્યો હતો. તેની પાછળનું કારણ જાણવા મળતાં સૌ કોઇ ચોંકી ઉઠ્યાં હતા કે સંતાનો તેમનુ દેવું ચૂકવવા માટે પોતાના ખેતરમાંથી પાક લઇ જઇને વેચી દેતાં હતા. આ હકીકત આખાય ગામમાં વાયુવેગે પ્રસરી જતાં બધાં ચિંતામાં મૂકાઇ ગયા હતા અને બેસતાં વર્ષના દિવસે જ્યારે ગામના વડીલો ભેગા થયા ત્યારે સમસ્યા અંગે ચર્ચા કરવામાં આવી . એવી બાબત પણ જાણવા મળી કે ખેતીમાંથી નવરા પડીને ગામના છેવાડે યુવાનો ભેગા થાય છે. તેઓ ચાની હોટલ તથા પાનના ગલ્લે બેસી રહેતાં હોય છે, ત્યારે તેઓ ચાની ચૂસકીઓ લેતાં હોય છે. તેમાંય ત્યાંથી પસાર થતાં સગાં-સંબંધીઓ અને મિત્રોને ચા પીવડાવ્યા બાદ પાન ખવડાવવાની મહેમાનગતિ કરતાં હતાં… નાણાકીય લેવડદેવડ કરતા હતા. ગામના યુવાનો દેવું ચૂકવવા ઘરે ખબર ના પડે તે માટે તેઓ જ પોતાના ખેતરમાંથી લણેલો પાક લઇ જઇને વેચી નાંખતાં હતા. આ વાત જાણીને સૌ કોઇ વિમાસણમાં મૂકાઇ ગયા હતા. તેને રોકવા માટે શું ઉપાય કરી શકાય તેની ચર્ચા થઇ હતી. આ સમયે ગામમાં પ્રભુત્વ ધરાવતાં ગોવિંદભાઇએ ગ્રામજનોની સંમંતિથી ગામના છેવાડે ચાલતી ચાની હોટલો તેમજ પાનના ગલ્લાઓ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો , ત્યારથી આજદીન સુધી ગામમાં કે ગામના છેવાડે કે ચોતરે ચાની હોટલો કે પાનની દુકાન નથી અને જે હતી તે આ નિર્ણય સાથે જ બંધ કરી દેવામાં આવી હતી.