Published by : Anu Shukla
તાજેતરમા અમેરિકાની સરકારે એક ફુગ્ગો ફોડવા પાછળ 10 લાખ ડોલર એટલે લગભગ 8 કરોડ 27 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો. કેમકે ફુગ્ગો જ કંઈક એવો હતો. 200 ફૂટ ઊંચો ને 120 ફૂટ પહોંળો. આ ફુગ્ગાનું ચીન કનેક્શન નિકળ્યું. એટલે અમેરિકાની આખી સરકાર ચિંતામા ગરકાવ થઈ ફુગ્ગાનો ઉકેલ શોધવામાં લાગી ગઈ. આખરે અમેરિકાની સરકારએ નિષ્કર્ષ સુધી પહોંચી ગઈ કે ચીનથી ઉડીને આવેલો ફૂગ્ગો, કોઈ સામાન્ય ‘ગેસ બલૂન’ નથી. આ સ્પાય બલૂન છે, જેને અમેરિકાની જાસૂસી માટે મોકલવામાં આવેલ છે.
અમેરિકાના રક્ષા વિભાગ સાથે જોડાયેલા અધિકારીઓ અને બીજા ડિફેન્સ એક્સપર્ટ કેટલાક મહત્વના દસ્તાવેજ સાથે વ્હાઈટ હાઉસ પહોંચવા લાગ્યા હતા. તમામ લોકો વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિની ઓફિસની નજીક આવેલા એક રૂમમાં પહોંચ્યા. થોડા જ સમયમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન પણ આવી આવ્યા અને હાઈલેવલ બેઠક શરૂ થઈ. મુદ્દો હતો અમેરિકાના એરસ્પેસમાં ઉડી રહેલું ચીનનું સ્પાય બલૂન.
અમેરિકાએ અઠવાડિયા સુધી સ્પાય બલૂનનું મોનિટરિંગ કેમ કર્યું?
પશ્ચિમ તરફથી આવેલાં સ્પાય બલૂન પર અમેરિકાની 28 જાન્યુઆરીથી જ નજર હતી. અમેરિકાના રાષ્ટ્રપતિએ એરફોર્સ અને નેવીને આ સ્પાય બલૂનનું સતત મોનિટરિંગ કરવાનો આદેશ આપી રાખ્યો હતો. જાસૂસી બલૂન પહેલાં અમેરિકા, પછી કેનેડા અને ત્યાર બાદ ફરીથી અમેરિકાના એરસ્પેસમાં ઘૂસ્યું હતું. સાત દિવસનો સમય થઈ ચુક્યો હતો. આખા વિશ્વની નજર અમેરિકા તરફ હતી. તે સાથે અમેરિકામાં જ ચર્ચા એવી થવા લાગી કે જો બાઈડનને બદલે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ હોત તો ચીનના સ્પાય બલૂન અંગે નિર્ણય લેવામાં એક અઠવાડિયાનો સમય વેડફ્યો ન હોત. પરંતુ જો બાઈડનની સરકાર આ સ્પાય બલૂનનું સતત મોનિટરિંગ કરી રહી હતી. ડર હતો કે ઉતાવળે નિર્ણય લેવામાં કંઈક એવું ન થઈ જાય કે અમેરિકા પર આખા વિશ્વની જનતા હસવા લાગે. પણ 4 ફેબ્રુઆરીએ જો બાઈડને બોલાવેલી બેઠકનો એક માત્ર ઉદ્દેશ હતો કે આ સ્પાય બલૂન પર આર-પારનો નિર્ણય લઈ જ લેવો છે બાઈડનની અધ્યક્ષતાવાળી મિટિંગમાં દેશની ગુપ્ત માહિતી, પરમાણુ હથિયારના સ્થળ, વિદેશ નીતિ અને અમેરિકન નાગરિકોની સુરક્ષા અંગેના ઘણા સવાલો, પડકારો અને પ્રત્યાઘાત મુદ્દે ચર્ચા થઈ. મિટિંગમાં નક્કી થયું કે ચીને છોડેલા સ્પાય બલૂનના વળતા જવાબ રૂપે એવા પગલાં લેવા જોઈએ, જેની વિશ્વભરમાં કોઈએ કલ્પના પણ ન કરી હોય. આખરે, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને એક ઐતિહાસિક નિર્ણય લીધો. સ્પાય બલૂન રહેણાંક વિસ્તારથી દૂર જાય અને કોઈને નુકસાન ન કરે એવા સ્થળે પહોંચે ત્યારે તેને મિસાઈલથી તોડી પાડવામાં આવે. રાષ્ટ્રપતિ બાઈડને ડિફેન્સને લગતી એક ફાઈલ પર સહી કરી અને આ સાથે જ અમેરિકાના સુરક્ષાદળોને સત્તાવાર રીતે સ્પાય બલૂનને તોડી પાડવાની મંજૂરી મળી ગઈ. રાષ્ટ્રપતિ તરફથી ઓર્ડર મળ્યો એટલે અમેરિકાની વાયુસેનાએ મોરચો સંભાળી લીધો. આ સમયે સ્પાય બલૂન અમેરિકાના પૂર્વ વિસ્તારમાં આવેલા વર્જીનિયાની આસપાસ ઉડી રહ્યું હતું. સૌથી પહેલાં અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનને આદેશ અપાયા કે સ્પાય બલૂનની આસપાસના અમુક કિલોમીટરના વિસ્તારમાં જે પણ પેસેન્જર અને કાર્ગો વિમાન ઉડતા હોય તેને ડાયવર્ટ કરો અને બીજા વિમાનોનું આવાગમન પણ એ વિસ્તાર તરફ ન થવું જોઈએ. અમેરિકાનું આખું તંત્ર એક મોટા મિશન પર આગળ વધી પડ્યું હતું.