Published By:-Bhavika Sasiya
- લંડનમાં સ્થિત એક યાદગાર ક્લબ જે ઇન્ડિયા ક્લબ તરીકે ખ્યાતિ પ્રાપ્ત છે તે બંધ થવાની તૈયારીમાં છે.
લંડનમાં આવેલી 70 વર્ષ જૂની ઐતિહાસિક ‘ઈન્ડિયા ક્લબ’ હવે કાયમ માટે બંધ થવા જઈ રહી છે. આ ક્લબ ભારતીય સ્વતંત્રતા ચળવળના પ્રારંભિક મૂળ માટે કૃષ્ણ મેનન સહિતના રાષ્ટ્રવાદીઓના કેન્દ્ર તરીકે જાણીતી હતી. હવે લાંબી લડાઈ હાર્યા બાદ 17મી સપ્ટેમ્બરે તે હંમેશ માટે બંધ થઈ જશે. ક્લબના માલિક યાદગાર માર્કર અને તેમની પુત્રી ફિરોઝા છેલ્લા 26 વર્ષથી આ ઐતિહાસિક સંસ્થાને ચલાવી રહ્યા છે. તેમણે થોડા વર્ષો પહેલા સેવ ઈન્ડિયા ક્લબ અભિયાન શરૂ કર્યું હતું.
હવે તેઓએ આ અભિયાન બંધ કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે, ‘ખૂબ જ ભારે હૃદય સાથે, અમે ઈન્ડિયા ક્લબને બંધ કરવાની જાહેરાત કરીએ છીએ, જેનો છેલ્લો દિવસ 17 સપ્ટેમ્બરે છે. આ દિવસ સુધી ઈન્ડિયા ક્લબ જાહેર જનતા માટે ખુલ્લી રહેશે.’ આ ઈન્ડિયા ક્લબે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
ઈન્ડિયા લીગના કેન્દ્ર તરીકે બનાવવામાં આવેલ, આ ક્લબ લંડનમાં ભારતીય પત્રકાર સંઘ, ભારતીય કાર્યકર્તા સંગઠન અને ભારતીય સમાજવાદી જૂથ જેવી વિવિધ ભારતીય સંસ્થાઓ માટે બેઠક સ્થળ તરીકે સેવા આપી હતી. તેના સભ્યપદમાં ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને છેલ્લા વાઈસરોયની પત્ની લેડી માઉન્ટબેટન જેવા નામો સામેલ છે. લંડનમાં ભારતના પ્રથમ હાઈ કમિશનર કૃષ્ણ મેનન દ્વારા 1951માં સ્થપાયેલી, ઈન્ડિયા ક્લબે એક સઘન મિશન હાથ ધર્યું હતું. આઝાદી પછી ભારત-બ્રિટિશ સંવાદિતાના પ્રતીક તરીકે તેનો જન્મ થયો હતો.કૃષ્ણ મેનન બાદમાં યુકેમાં પ્રથમ ભારતીય હાઈ કમિશનર બન્યા. ભારતની સ્વતંત્રતા અને વિભાજન પછી આ કલબ ઝડપથી બ્રિટિશ, દક્ષિણ એશિયાઈ સમુદાય કેન્દ્રમાં ફેરવાઈ ગઇ. કૃષ્ણ મેનન તેને એવી જગ્યા બનાવવા માંગતા હતા. જ્યાં ગરીબીમાં જીવતા યુવા વ્યાવસાયિકો ભારતીય ખોરાક ખાઈ શકે છે અને રાજકારણની ચર્ચા કરીને તેમના ભવિષ્યની યોજના બનાવી શકે. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઈન્ડિયા ક્લબ બંધ થવા અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને ભાવનાત્મક પોસ્ટ લખી છે.