ગુજરાતના મુખ્યમંત્રીનું પદ છોડ્યાંના એક વર્ષ પછી વિજય રૂપાણીએ બહુ મોટો ખુલાસો કર્યો છે. રૂપાણીએ કહ્યુ હતુ કે, એક રાત પહેલાં ભાજપના હાઇકમાન્ડ તરફથી રાજીનામું આપવા કહ્યુ હતુ. રૂપાણીએ 11 સપ્ટેમ્બર 2021ના દિવસે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતુ કે, બીજેથી હાઇકમાન્ડે રાજીનામું આપવા કહ્યુ અને તરત બીજા દિવસે તેમણે પદ છોડી દીધું હતું. તેમણે આગળ જણાવ્યુ હતુ કે, તેમણે હાઇકમાન્ડને કારણ પૂછ્યું નહોતું અને તેમને પણ સામેથી કોઈ કારણ કહેવામાં આવ્યું નહોતું.
હું પાર્ટીનો અનુશાસિત કાર્યકર્તા રહ્યો છુંઃ રૂપાણી
તેમણે આગળ ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે, મને વિશ્વાસ છે કે જો મેં કારણ પૂછ્યું હોત તો મને કારણ જણાવવામાં પણ આવ્યું હોત. પરંતુ હંમેશા હું પાર્ટીનો અનુશાસિત કાર્યકર્તા રહ્યો છું. મેં હંમેશા તે જ કર્યુ છે કે જે મને પાર્ટીએ કહ્યુ હતું. પાર્ટીએ મને મુખ્યમંત્રી બનવાનો આદેશ આપ્યો તો હું બની ગયો. જ્યારે પાર્ટીએ મને કહ્યુ કે મારું મુખ્યમંત્રી પદ તેઓ પાછું લઈ રહ્યા છે તો મેં રાજીખુશીથી હામી ભરી હતી.
‘હસતા મોઢે રાજીનામું સોંપ્યું’
આગળ તેમણે જણાવ્યુ હતુ કે, પાર્ટીના હાઇકમાન્ડનો આદેશ આવ્યાના અમુક કલાક પછી મેં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને વગર કશા વિરોધે કે વગર ગુસ્સે રાજીનામું સોંપ્યું હતું. રૂપાણીએ કહ્યુ હતુ કે, એક સારા કાર્યકર્તા રૂપે હું પાર્ટીના હાઇકમાન્ડ સામે ક્યારેય નથી ગયો. મેં મારું રાજીનામું ઉદાસ નહીં પરંતુ હસતા મોઢે સોંપ્યુ હતુ.