અમદાવાદ
- તાજેતરમાં હાઈકોર્ટે ગુજરાત સરકારને પૂછ્યું, ચૂકવાયેલું વળતર પાછું લેવાની યોજના કઈ રીતે લવાય?
હાલના સમયમાં એટ્રોસિટી એક્ટ હેઠળ બનતા ગુન્હાઓની સંખ્યામાં ઍકધારો વધારો થઈ રહ્યો છે. એટ્રોસિટી એકટ હેઠળ પકડાયેલા આરોપીઓ નિર્દોષ છૂટી જાય પછી પણ સરકાર આવા બનાવોમાં પીડિતોને ચૂકવેલું વળતર પરત માગી શકે નહીં. એટ્રોસિટીની અનેક ફરિયાદોના કેસમાં આરોપીઓ નિર્દોષ છૂટી જાય છે તેથી સરકારે ચૂકવેલા વળતરને પાછું માગ્યું હતું. આવી આશરે 20 થી 30 અરજીઓમાં ટ્રાયલ કોર્ટે નિર્દોષ છોડયા બાદ જેતે વિભાગે કાયદા વિભાગને વળતર પરત મેળવવા માટે જાણ કરી હતી. ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠે સરકાર સામે કેટલાક સવાલો કર્યા હતા. પીડિતો સામે એટ્રોસિટી થઇ હોવાથી તેમને ચૂકવેલું વળતર પાછું માગવાની યોજના સરકાર કેવી રીતે લાવી શકે? ખંડપીઠે સરકારને નોટિસ પાઠવી છે.રાજ્યના કુલ 4 જિલ્લામાં અલગ અલગ બનાવોમાં થયેલા એટ્રોસિટીના કેસમાં નિર્દોષ છૂટી ગયેલા આરોપીઓ વતી સરકારે પીડિતોને ચૂકવેલા વળતર અંગેની વિગતો કાયદા વિભાગને મોકલવામાં આવી હતી. આવા કેટલાક કેસમાં મહિલાઓ પણ હતી. કાયદા વિભાગે પીડિતોને ચૂકવેલા એટ્રોસિટીના વળતરની રકમ પરત માગી હતી. જેની સામે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. હાઇકોર્ટની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે, કેસના ટ્રાયલ દરમ્યાન જો કોઇ પીડિત તેના નિવેદનમાંથી ફરી જાય તો તેની પાસેથી વળતર પાછું મેળવી શકાય પરંતુ તે સિવાય સરકાર આવી યોજના કેવી રીતે લાવી શકે? સરકારને વળતરની રીકવરી અંગે સ્પષ્ટતા કરવા આદેશ કર્યો છે. જે અંગે રાહ જોવી પડશે.