એર ઈન્ડિયાએ 500 નવા એરોપ્લેન ખરીદવાનો સોદો કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ડીલ 100 બિલિયન ડોલરની હોઈ શકે છે. એવું માનવામાં આવે છે કે નાગરિક ઉડ્ડયન ઇતિહાસમાં આ સૌથી મોટી ડીલ છે. ડીલ હેઠળ એર ઈન્ડિયા આ વિમાનો ફ્રેન્ચ કંપની એરબસ અને યુએસ કંપની બોઈંગ પાસેથી ખરીદશે. કંપની આવતા સપ્તાહ સુધીમાં આ ડીલ અંગે સત્તાવાર જાહેરાત કરી શકે છે. અહેવાલો મુજબ, એર ઈન્ડિયા એરબસ પાસેથી 250 વિમાન ખરીદશે, જેમાંથી 210 સિંગલ એઈલ A320neos અને 40 વાઈડ બોડી A350 હશે. અને બોઈંગ પાસેથી ખરીદવામાં આવનાર 220 એરક્રાફ્ટમાંથી 190 737 મેક્સ નેરોબોડી જેટ અને 20 787 વાઈડબોડી જેટ અને 10 777xs એરક્રાફ્ટ હશે. જો કે, આ ઓર્ડરમાં ફેરફાર પણ થઈ શકે છે.
ટાટા જૂથમાં પાછા આવ્યા પછી, એર ઈન્ડિયા આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઈટ્સમાં તેના વર્ચસ્વને પુનર્જીવિત કરવા માટે પોતાનું આધુનિકીકરણ કરી રહી હોવાનું માનવામાં આવે છે. આ સાથે એર ઈન્ડિયા આ ડીલ દ્વારા પોતાને ઈંધણ કાર્યક્ષમ બનાવવાનો પણ પ્રયાસ કરી રહી છે જેથી ઈંધણની કિંમતમાં ઘટાડો કરી શકાય. અત્રે ઉલ્લેખનીય કે એર ઈન્ડિયાના કાફલામાં મોટાભાગના એરક્રાફ્ટ જૂના છે. એર ઈન્ડિયા તેના નવા એરક્રાફ્ટ સાથે અમીરાત અને કતાર એરવેઝ જેવી મોટી એરલાઈન્સને પણ પડકારવાની તૈયારી કરી રહી છે.
કોરોના મહામારી બાદ એરલાઈન્સ હવે પોતાને અપગ્રેડ કરવામાં વ્યસ્ત છે. કોરોના પ્રતિબંધો હટાવ્યા બાદ હવે હવાઈ મુસાફરોની સંખ્યા પણ સતત વધી રહી છે. ટાટા ગ્રુપે એર ઈન્ડિયાને ખરીદ્યાને એક વર્ષ થઈ ગયું છે. આવી સ્થિતિમાં ટાટા ગ્રુપની દેખરેખ હેઠળ કંપની મોટા ફેરફારમાંથી પસાર થઈ રહી છે.