ગુજરાત રાજ્ય દેશમાં હાનિકારક કચરો ઉત્પન્ન કરવામાં અગ્રેસર હોવાની માહિતી રાજ્યસભાના સત્રમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સામે આવી છે. દેશના કુલ 389 પ્રદુષિત શહેરોમાં ગુજરાતના 10 શહેરોનો સમાવેશ થાય છે. દેશના 100 પ્રદુષિત શહેરોમાં ગુજરાતના ચાર શહેરોનો સમાવેશ થાય છે. વપરાયેલી લીડ એસિડ બેટરી અને લીડ વેસ્ટના રિસાયકલમાં ગુજરાત દેશમાં ત્રીજા નંબરે છે. દેશમાં વપરાયેલી લીડ એસિડ બેટરી અને લીડ વેસ્ટના રિસાયલ માટે 672 યુનિટ છે. જે વાર્ષિક 35,30,842 મિલીયન મેટ્રિક ટનનું રિસાયક્લીંગ કરે છે. ગુજરાત 41 યુનિટ સાથે 3,81,210 મિલીયન મેટ્રિક ટનના રિસાયક્લીંગ સાથે દેશમાં ત્રીજા ક્રમે છે. તામિલનાડુ 27 યુનિટ સાથે 452023 મિલીયન મેટ્રિક ટનના રિસાયક્લીંગ સાથે દેશમાં પ્રથમ નંબરે આવે છે. તો બીજી તરફ ગુજરાતના 35,887 ઉદ્યોગો પૈકી 2401 ઉદ્યોગો આપમેળે બંધ થઈ ગયા છે. જ્યારે 4605 ઉદ્યોગો પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન કરતાં હોવાનું સામે આવતાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
2021 ની સ્થિતિએ દેશના 389 શહેરોને પ્રદુષિત શહેરોની યાદીમાં સમાવેશ કરાયો છે. જેમાં ગુજરાતના 10 શહેરોનો સમાવેશ થાય છે. જેમાં વટવા દેશમાં 44મા ક્રમે, અમદાવાદ 84મા, અંકલેશ્વર 87મા, રાજકોટ 94મા, જામનગર 100મા, વાપી 107મા, વડોદરા 115મા, સુરત 144મા, ગાંધીનગર 211મા અને નંદેસરી દેશમાં 235મા ક્રમે છે. હરિયાણાનું સોનીપત દેશનું સૌથી પ્રદૂષિત શહેર છે.