Published by : Rana Kajal
T20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર બાદ પસંદગીકારોએ સિનિયર ખેલાડીઓને બદલે યુવા ખેલાડીઓને તક આપવાનું શરૂ કરી દીધું છે. શ્રીલંકા સામેની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે અને ફર્સ્ટ ક્લાસ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર મુકેશ કુમારને ટીમ ઈન્ડિયાની T20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બિહારનો રહેવાસી મુકેશ કુમાર હવે ટીમ ઈન્ડિયા તરફથી રમતો જોવા મળશે. શ્રીલંકા સામેની T20 ટીમમાં તેની પસંદગી કરવામાં આવી છે. મુકેશ કુમારે પ્રથમ કક્ષાના ક્રિકેટમાં કુલ 58 ઈનિંગ્સમાં કુલ 123 વિકેટ ઝડપી છે. તાજેતરમાં તેણે પ્રથમ શ્રેણીની મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે બાંગ્લાદેશ ‘A’ સામેની બિનસત્તાવાર ટેસ્ટ મેચમાં 6 વિકેટ લીધી હતી. આ પ્રદર્શનના કારણે તે આજે ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે.
ગોપાલગંજના કાકરકુંડ ગામના રહેવાસી મુકેશ કુમાર એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેના સ્વર્ગસ્થ પિતા કાશીનાથ સિંહ કોલકાતામાં રિક્ષા ચલાવતા હતા અને તેમની માતા એક ગૃહિણી છે. માંદગીના કારણે તેમના પિતાનું અવસાન થયું હતું.
થોડાક દિવસો પહેલા જ યોજાયેલી IPL મીની-ઓક્શનમાં મુકેશ કુમારને મોટી બોલી લાગી હતી. તેને દિલ્હી કેપિટલ્સે 5 કરોડ 50 લાખ રૂપિયાની મોટી રકમ ચૂકવીને ખરીદ્યો હતો. દિલ્હીએ આ વર્ષે કુલ 5 ખેલાડીઓ ખરીદ્યા હતા, જેમાંથી મુકેશ કુમાર સૌથી મોંઘો ખેલાડી હતો. મુકેશ કુમારની બેઈઝ પ્રાઈઝ 20 લાખ હતી. દિલ્હી કેપિટલ્સે મુકેશની પસંદગી કરી તે પાછળનું કારણ એ છે કે તે એક ફાસ્ટ બોલર છે.