- હવે દરેક ખેલાડીનું કેવાયસી ફરજિયાત…
ઓનલાઈન ગેમિંગની લોકપ્રિયતા વધતી જાય છે. ત્યારે સરકાર લોકોના હિત સાચવવા માટે કડક નિયમોના અમલ અંગે વિચાર વિમર્શ કરી રહી છે…
કેન્દ્ર સરકારે સોમવારે ઓનલાઇન ગેમિંગ કંપનીઓ માટે પ્રસ્તાવિત નિયમોનો મુદ્દો જાહેર કર્યો હતો. ગેમિંગ કંપનીઓ માટે સ્વનિયામક તંત્ર અને ખેલાડીઓના કેવાયસી (નો યોર કસ્ટમર)નો પ્રસ્તાવ રજૂ કરાયો છે. આ કંપનીઓએ એક ફરિયાદ અધિકારી પણ નિયુક્ત કરવા પડશે, જે ઓનલાઇન ગેમિંગ મધ્યસ્થીના કર્મચારી હશે અને ભારતના જ નિવાસી હશે. આ મુદ્દા અંગે 17 જાન્યુઆરી સુધી સૂચના માંગવામાં આવી છે.
ગેમિંગ કંપનીઓ માટે એ નિયમો લાગુ થવા જઇ રહ્યા છે, જે 2021માં સોશિયલ મીડિયા કંપનીઓ પર લાગુ થયા હતા. આઇટી મંત્રાલયે ઓનલાઇન ગેમિંગ કંપનીઓ માટે ભારતીય કાયદાનું પાલન જરૂરી કરવાની સાથે જ કહ્યું હતું કે, જુગાર કે સટ્ટાબાજી સંબંધિત દરેક કાયદા આ કંપનીઓ પર પણ લાગુ થશે. જે ઓનલાઇન ગેમ ભારતીય કાયદાને અનુરૂપ નહીં હોય, તેમને કંપનીઓ હોસ્ટ નહીં કરે, અપલોડ નહીં કરે અને પ્રકાશિત કે પ્રસારિત પણ નહીં કરી શકે.
તેમજ રમતગમતમાં ઉપયોગમાં લેનારી નાણાકીય રકમની ચુકવણી કે રિફંડ, જીતની રકમ તેમજ અન્ય ખર્ચ અંગે પણ માહિતી આપવી પડશે. મંત્રાલયમાં સ્વનિયામક એકમની નોંધણી કરાવવી પડશે. આ એકમ ફરિયાદોનો ઉકેલ લાવશે. તેમાં ઓનલાઇન ગેમિંગ, જાહેર નીતિ, આઈટી, મનોવિજ્ઞાન, આરોગ્ય જેવા વિવિધ ક્ષેત્રના પાંચ સભ્યનું ડિરેક્ટર બોર્ડ પણ રાખવું પડશે.