- સંસ્કૃતિના મહામંચ પર અભૂતપૂર્વ અભિવાદનથી ઓલિમ્પિક વીનર ભાવાભિભૂત…
- ભાલા દ્વારા ઓલિમ્પિક મેડલનો લક્ષ્યવેધ કરનારા નીરજ ચોપરાએ નેશનલ ગેમ્સમાં ભાગ લેનારા ખેલાડીઓને શ્રેષ્ઠ કૌવત બતાવવા કર્યો અનુરોધ…
- ગુજરાત દ્વારા પહેલીવાર નેશનલ ગેમ્સના આયોજનને વધાવીને શુભકામનાઓ પાઠવી…
ગુજરાત રાજ્યના મહેમાન તરીકે હાલમાં નીરજ ગુજરાતની મુલાકાતે આવ્યો છે અને ગુજરાત દ્વારા પહેલીવાર યોજવામાં આવેલી નેશનલ ગેમ્સ ને પ્રોત્સાહિત કરવા વિવિધ શહેરોની મુલાકાત લઈ રહ્યો છે. ત્યારે ગત રાત્રે વડોદરાના મહા મંચ પર જ્યારે પ્રેરણા સ્ત્રોત જેવા રમતવીર અને ભાલા ફેંકમાં ઓલિમ્પિક મેડલ જીતનારા નીરજ ચોપરા આવ્યા હતા. તેઓનું હજારો ખેલૈયાઓની જન મેદની એ ગગનભેદી હર્ષનાદોથી અભિવાદન કર્યું હતું. ત્યારે દૂર અંતર સુધી ભાલો ફેંકીને ઓલિમ્પિક મેડલનો સફળ લક્ષ્યવેધ કરનારો આ ખેલ રત્ન ભાવાભિભૂત થઈ ગયો હતો.

નીરજ ચોપડાને શહેરના મેયર કેયુર રોકડિયા,મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે આવકાર આપીને શહેરના જાણીતા ગરબા મેદાનની મુલાકાત કરાવી હતી.નીરજની ઉપસ્થિતિથી ખેલૈયાઓનો ઉમંગ બેવડાઇ ગયો હતો.

ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતાએ જણાવ્યું હતુ કે ભાલા ફેકમાં તેઓની ઓલિમ્પિક સિદ્ધિ પછી એક આશાસ્પદ રમત તરીકે રમતવીરોમા જવેલિયન થરોમા આકર્ષણ વધ્યું છે. યુવા ખેલાડીઓ હાલ વિવિધ રમતોમાં વિશ્વ મંચ પર ઉત્તમ પ્રદર્શન કરી રહ્યાં છે.તેના પગલે હવે માતાપિતા પણ સંતાનોને રમવા અને રમત કારકિર્દી અપનાવવા પ્રોત્સાહિત કરી રહ્યાં છે.દરેક ખેલાડી પોતાની ક્ષમતા અને કૌશલ્યોમા દ્રઢ વિશ્વાસ કરે તો સફળતા સરળ બને છે.યુવાનો મોબાઈલના વળગણથી અંતર પાળીને આરોગ્ય,શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખેલ મેદાન તરફ વળે એવો તેમણે અનુરોધ કર્યો હતો.
(ઇનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)