- ભરૂચ સમાહર્તાએ સજોડે નમાવ્યું શીર્ષ
- સમગ્ર શ્રાવણ માસમાં લઘુરૂદ્રી, વિશેષ પૂજા સહિતનું આયોજન
- તીર્થમાં પ્રથમ દિવસે જ 10 હજારથી વધુ ભક્તોએ દર્શન, પૂજનનો લ્હાવો લીધો
Published By : Aarti Machhi
દક્ષિણના મિની સોમનાથ ગણાતા કાવી-કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થ સ્થાને પવિત્ર શ્રાવણ માસના પેહલા દિવસ સોમવારે ભક્તોનું કિડિયારું છલકાયું હતું.
કંકર એટલા શંકરની ભૂમિ ભરૂચમાં પવિત્ર શ્રાવણ માસનો આજે સોમવારના શુભ સમન્વય વચ્ચે પ્રારંભ થયો છે. જીવને શિવ સાથે સાક્ષાત્કાર કરાવતા પવિત્ર શ્રાવણ માસમાં ભરૂચના પ્રસિદ્ધ કાવી કંબોઈ તીર્થ સ્થાને આજે ભક્તોનો સેલાબ ઉમટયો હતો.ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ પણ તેમની ધર્મપત્ની સાથે સજોડે સ્તંભેશ્વર દાદાના દર્શન કરી ધન્યતા મેળવી હતી.
વિદ્યાનંદનજી સરસ્વતી મહારાજે આજે પેહલા દિવસે જ રાજ્યભરમાંથી 10 હજારથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હોવાનું કહ્યું હતું. અહીં શ્રદ્ધાળુઓ માટે આજે ભંડારાનું આયોજન સાથે મેળાનો માહોલ પણ જોવા મળ્યો હતો.આ તીર્થ સ્થાને દરિયા દેવ દિવસમાં બે વખત સ્વયંભૂ શિવલિંગને અભિષેક કરવા આવે છે. સમગ્ર શ્રાવણ માસમાં અહીં લઘુરૂદ્રી, વિશેષ પૂજા, હોમ, હવનનું આયોજન કરાયું છે.