ન્યૂઝ એજન્સી એએફપીના અહેવાલ મુજબ કંબોડિયામાં એક હોટલમાં એકાએક ભીષણ આગ ફાટી નીક્ળી હતી. પોઈપેટની ગ્રાન્ડ ડાયમંડ સિટી હોટલમાં લગભગ 50 લોકો ફસાયેલા હોવાના અહેવાલ છે. સ્થળ પરથી ચોંકાવનારા ફૂટેજમાં લોકોને પાંચમા માળેથી કૂદતા જોઈ શકાય છે. આ દુ:ખદ દુર્ઘટના દરમિયાન ઇમારતનું આંશિક પતન પણ નોંધાયું છે, જ્યારે અગ્નિશામકોએ પછીથી આગ પર લગભગ 70% નિયંત્રણનો દાવો કર્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સવારે 8.30 વાગ્યા સુધી લગભગ 53 લોકોને બિલ્ડિંગમાંથી બચાવી લેવામાં આવ્યા છે. આસપાસના લોકો પણ કટોકટી બચાવ પ્રક્રિયાને ઝડપી બનાવવા અધિકારીઓને મદદ કરી રહ્યા છે. હોટલ અને કેસિનો સંકુલમાં લગભગ છ કલાકથી આગ અનિયંત્રિત રીતે સળગી રહી હતી, જેમાં છતનો મોટો ભાગ હજુ પણ સળગી રહ્યો છે.
કંબોડિયાના પોઈપેટમાં હોટલમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. તે જ સમયે, 30 થી વધુ લોકોને ઇજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢવામાં આવ્યા છે. જણાવવામાં આવ્યું છે કે હોટલમાં આગ એટલી ગંભીર છે કે 50થી વધુ લોકો હજુ પણ ફસાયેલા છે અને તેમને બચાવવાના પ્રયાસો ચાલુ છે.