કચ્છ એ ભારતનો એકમાત્ર એવો જિલ્લો છે જ્યાં રણ, ડુંગર અને દરિયો ત્રણેય જોવા મળે છે. અહીં યોજાતા રણોત્સવ થકી સફેદ રણ અને કાળો ડુંગરની સુંદરતા તો પ્રવાસીઓ માણે જ છે પણ મોટી સંખ્યામાં લોકો દરિયસ્થાને પણ મુલાકાત લે તે માટે કચ્છના માંડવી બીચ પર ચાર વર્ષ બાદ ફરી એકવખત બીચ ફેસ્ટિવલ યોજવામાં આવશે. આ વર્ષે યોજાનારા આ ત્રિદિવસીય બીચ ફેસ્ટિવલમાં માંડવી બીચ પર પ્રવાસીઓને ગોવાનો અનુભવ મળી રહેશે.
માંડવીનું વિન્ડફાર્મ બીચ કચ્છ આવતા સહેલાણીઓ માટે હળવાશની પળો અનુભવવા એક ઉત્કૃષ્ટ સ્થળ બન્યો છે. રણોત્સવની સાથે જ કચ્છના માંડવીને પણ એક બીચ પર્યટન સ્થળ તરીકે વિકસાવવા રાજ્ય સરકાર અને પ્રવાસન નિગમ દ્વારા છેલ્લા લાંબા વર્ષોથી આયોજનો ઘડવામાં આવી રહ્યા છે. 2020માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રણોત્સવની સમકક્ષ માંડવીમાં પણ એક ટેન્ટ સીટી ઊભી કરવાની જાહેરાત કરી હતી. જો કે, લાંબા સમયથી પ્રવાસીઓના મોટા ધસારાને ખેંચી શકે તેવા આયોજનની રાહ જોતા માંડવી બીચના ઇન્તેઝારનો હવે અંત આવ્યો છે.
ગુજરાત પ્રવાસન વિભાગમાંથી મળતી માહિતી મુજબ આગામી 13, 14 અને 15 જાન્યુઆરીના માંડવી વિન્ડફાર્મ બીચ પર ત્રિદિવસીય બીચ ફેસ્ટિવલ યોજવામાં આવશે. આ બીચ ફેસ્ટિવલમાં ત્રણેય દિવસ સાંજે વિવિધ કલાકારો સાથે મ્યુઝિક કોન્સર્ટ યોજવામાં આવશે અને પ્રવાસીઓની સાથે સમગ્ર દરિયાઈ શહેર પણ સંગીતમય બનશે. ઉલ્લેખનીય છે કે, 13 જાન્યુઆરીના જ કચ્છના સફેદ રણમાં આંતરાષ્ટ્રીય પતંગોત્સવ યોજવામાં આવશે. તો ત્યારથી જ ત્રણ દિવસ માટે શરૂ થનારા આ બીચ ફેસ્ટિવલ થકી આ ત્રણ દિવસ દરમિયાન પ્રવાસીઓની સંખ્યામાં ખૂબ વધારો થશે.