- શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી તૈયારી
- કચ્છની બે મુખ્ય જેલોના 14 કેદીઓ પરીક્ષા આપશે
આગામી માર્ચ મહિનાથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા યોજવામાં આવશે જેમાં કચ્છમાંથી હજારો વિદ્યાર્થીઓ ભાગ લેશે. તો આ વર્ષે વિદ્યાર્થીઓ અને અન્ય લોકોની સાથે જેલના કેદીઓ પણ પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે. કચ્છની બે મુખ્ય જેલોના 14 કેદીઓ પરીક્ષા આપી શકે અને ઉત્તીર્ણ થઈ પોતાના જેલવાસ દરમિયાન પોતાના ભવિષ્યને એક નવો વળાંક આપી શકે તે માટે ખાસ પ્રયત્ન કરી રહી છે.
આ વર્ષની ધોરણ 10 તેમજ ધોરણ 12ના ત્રણેય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં કચ્છના 42 હજારથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી પોતાની કારકિર્દીનું ઘડતર કરશે. પણ આ 42 હજાર વિદ્યાર્થીઓમાંથી 14 વિદ્યાર્થીઓ ખાસ છે તેવું કહી શકાય કારણ કે આ કોઈ રેગ્યુલર વિદ્યાર્થી અથવા સામાન્ય લોકો નથી પરંતુ જેલવાસ ભોગતા કેદીઓ છે. કચ્છના 14 કેદીઓ આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપશે તેવું જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું.
ભુજની પાલારા ખાસ જેલ અને ગાંધીધામની ગળપાદર જેલના કેદીઓ આ વર્ષે પોતાના મુકાયેલા અભ્યાસને આગળ વધારી શકે તે માટે જિલ્લા શિક્ષણાધિકારીની ટીમે બન્ને જેલની મુલાકાત લઈ પરિક્ષા આપવાની ઈચ્છા ધરાવતા કેદીઓની નોંધણી કરી તેમના ફોર્મ પણ ભર્યા હતા. ફક્ત એટલું જ નહીં પરંતુ આ કેદીઓ પરીક્ષા માટે અભ્યાસ કરી શકે અને સારા ગુણ મેળવે તે માટે પણ શિક્ષણ તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.
શિક્ષણ વિભાગ દ્વારા આ જેલના કેદીઓ માટે તેમના ધોરણ મુજબના પુસ્તકો પહોંચાડવામાં આવ્યા છે. તો સાથે જ તેમના નિયમિત અભ્યાસ માટે અત્યારથી જ ખાસ શિક્ષક મોકલી તેમને ભણાવવામાં પણ આવે છે.