Published by : Anu Shukla
- ધો 10મા માસ પ્રમોશન અપાયુ 8.57 લાખ વિદ્યાર્થીઓને અને ધો.12 સુઘી પહોંચ્યા માત્ર 6.30 લાખ વિધાર્થીઓ..
કોરોના મહામારીના સમયમા માધ્યમિક બોર્ડની પરીક્ષામા માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. હવે બે વર્ષ બાદ માસ પ્રમોશન મેળવેલ વિધાર્થીઓ ધો.12મા આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 2લાખ કરતા વધુ ઘટાડો નોંધાયો છે. જે ઍક કડવી વાસ્તવિકતા છે..
શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તારીખ 14 માર્ચથી લેવાનાર બોર્ડની પરીક્ષાને આડે હવે 29 દિવસ જ બાકી રહ્યા છે. શિક્ષણ બોર્ડ, શાળાઓ અને વિદ્યાર્થીઓ પણ બોર્ડની પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે રાજ્યમાં ધોરણ 12 કોમર્સ અને સાયન્સના કુલ અંદાજિત 6.30 લાખ વિદ્યાર્થીઓ છે.
2023માં ધો.12માં આ વિદ્યાર્થીઓ પહેલી વખત બોર્ડની પરીક્ષા આપશે જેઓ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપ્યા વિના સીધી જ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપશે. આ તમામ વિદ્યાર્થીઓને પહેલી વખત બોર્ડની પરીક્ષા આપવાનો અનુભવ મળશે. કારણ કે, વર્ષ 2021માં કોરોના મહામારીને કારણે શિક્ષણ બોર્ડે ધોરણ 10ના બોર્ડના તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા લીધી ન હતી અને માસ પ્રમોશન આપ્યું હતું. ત્યારબાદ 2022માં ધોરણ 11 અને હવે 2023માં ધો.12માં આ વિદ્યાર્થીઓ પહેલી વખત બોર્ડની પરીક્ષા આપશે. સાથેજ કોરોના મહામારી દરમિયાન વર્ષ 2021માં ધોરણ 10માં કુલ 8,57,204 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આ તમામ વિદ્યાર્થીઓને ગ્રેડ પ્રમાણે પરિણામ જાહેર કરીને માસ પ્રમોશન અપાયું હતું. ધોરણ 10માં 8,57,204 વિદ્યાર્થીને માસ પ્રમોશન આપી પાસ તો કરી દેવાયા પરંતુ આ વિદ્યાર્થીઓ પૈકી 2023માં અંદાજિત 6.30 લાખ વિદ્યાર્થી જ ધોરણ 12 સુધી પહોંચી શક્યા. બાકીના સવા બે લાખ વિદ્યાર્થીઓએ અન્ય અભ્યાસક્રમ ભણ્યા કે ડ્રોપ લઇ લીધો તેની વિગતો ઉપલબ્ધ નથી.