- રસ્તાઓ સુધારો તો અમારા ગણેશજીની પ્રતિમાઓ નિર્વિઘ્ને-અખંડ સ્થાપિત કરી શકીએ…
- અંકલેશ્વરમાં નગરપાલિકા પ્રમુખ અને પી.ડબલ્યુ. ડી. ના અધિકારીઓને અપાયું આવેદનપત્ર…
આપણે સહુ આપણા વિઘ્નો દૂર કરવા માટે વિઘ્નહર્તા શ્રી ગણેશજીને આજીજી કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ. જો કે સાંપ્રત સમય એવો આવ્યો છે કે વિઘ્નહર્તા નિર્વિઘ્ને પોતાના પ્ંડાલ સુધી પહોચે તે માટે આપણે ચૂંટેલા નેતાઓને આજીજી કરવી પડી રહી છે. આ કળયુગ નહીં તો બીજું શું ?
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/08/Anp-1-1024x768.jpeg)
ભગવાન શ્રીજી 10 દિવસનું આતિથ્ય માણવા આવી રહ્યા છે. અને ભરૂચ– અંકલેશ્વર સહિત વિવિધ પંડાલોમાં શ્રીજીની પ્રતિમા બેસાડવાનું શરૂ થઇ ગયું છે. 2 વર્ષ બાદ ધામધુમથી ગણેશ ઉત્સવ ઉજવવા માટે ગણેશ મંડળોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ હાલમાં વિવિધ ગણેશ મંડળો મૂંઝવણમાં મુકાયા છે. તેઓની મૂંઝવણ એ છે કે ભગવાન શ્રીજીની પ્રતિમાને પોતાના પંડાલ સુધી કોઈ પણ અડચણ વગર લઈ કેવી રીતે જવી. કારણ કે હાલમાં જે માર્ગોની સ્થિતિ છે તે પ્રતિમાઓને ખંડિત થવા પર મજબૂર કરી દે છે. વરસાદના કારણે કહો કે ભ્રષ્ટાચારના કારણે લગભગ તમામ માર્ગોની સ્થિતિ ઉબડખાબડ બની છે. અને તેના કારણે વાહનચાલકોએ તો શું પગપાળા ચાલતા લોકોએ પણ ભોગ બનવું પડે છે.
આજરોજ અંકલેશ્વર ખાતે વિવિધ ગણેશ મંડળો દ્વારા નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા તેમજ પ.વ.ડી. વિભાગના અધિકારીઓને આવેદન પત્ર પાઠવવામા આવ્યું અને વિનંતી કરવામાં આવી કે ભગવાન ગણેશ સહુના વિઘ્નો દૂર કરવા તો આવી રહ્યા છે પરંતુ તેઓને સ્થાપિત કરવા માટે તેઓની મુર્તિ લઈ જવા માટે વચ્ચે કનડતા વિઘ્નો દૂર કરવામાં આવે અને માર્ગોની મરામત કરવામાં આવે. એક તરફ જિલ્લાનું તંત્ર 91 કિમી જેટલા માર્ગો રીપેર કર્યા હોવાના દાવા કરી રહ્યું છે તો વરવી વાસ્તવિકતા શું છે તે આ રજૂઆત બયાન કરી રહી છે.